ચરોતરમાં NRI દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણીઃ ૨૬ જાન્યુઆરીએ દેશના ૬૬મા પ્રજાસત્તાક પર્વએ ચરોતરના વિવિધ ગામોમાં વિદેશવાસી ગુજરાતીઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આણંદની પર્સનલકેર વિદ્યાલયમાં કેનેડાવાસી મિન્હાજબેન વ્હોરાએ ત્રિરંગો લહેરાવ્યા હતો, જ્યારે આ પ્રસંગે મુખ્યમહેમાન પદે દિનેશભાઇ પટેલ (યુકે) ઉપસ્થિત રહ્યા હતા. સામરખાની એચ. એલ. પટેલ હાઇસ્કૂલમાં વિદેશવાસી શાંતુભાઇ ડી. પટેલે ધ્વજવંદન કરાવ્યું હતું. રૂપારેલની પ્રાથમિક શાળામાં અમેરિકાવાસી નરેન્દ્રભાઇ કનુભાઇ પટેલના હસ્તે ધ્વજવંદન થયું હતું. શાહપુરની પી. એમ. પટેલ હાઇસ્કૂલમાં ગામના વતની અને કેનેડાવાસી હિતેન્દ્રભાઇ વિઠ્ઠલભાઇ પટેલે ત્રિરંગાને સલામી આપી હતી. જ્યારે અમેરિકાવાસી દાતા ઇશ્વરભાઇ મહિજીભાઇ પટેલ તરફથી ધો-૧થી ૧૧ના તમામ વિદ્યાર્થીઓને ગણવેશ તથા બૂટ-મોજાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પેટલાદ તાલુકાના પછાત ગામને પોલીસ વડાએ દત્તક લીધુંઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસથી વંચિત એવા ગામોનો વિકાસ કરવાના હેતુથી સાંસદો, ધારાસભ્યો અને જિલ્લાના અધિકારીઓ દ્વારા દત્તક લઈ તેના વિકાસને નવી રાહ ચિંધીને શહેરની સમકક્ષ બનાવવા માટેની યોજના અમલમાં મૂકી છે. જેને ધ્યાને લઈ આણંદ જિલ્લા પોલીસ વડા અશોક યાદવે પેટલાદ તાલુકામાં વિકાસથી વંચિત રહેલા નાનકડા લક્કડપુરા ગામને દત્તક લીધું થે. આગામી વર્ષમાં લક્કડપુરાને નવો રંગરૂપ આપી શિક્ષણ સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની સાથે ગામના યુવકોને રોજગારી આપીને ગામના વિકાસમાં સહભાગી થવાના હેતુથી તેમણે આ ગામને દત્તક લીધું છે.