વડોદરાઃ ફતેગંજ વિસ્તારમાં આવેલી જીંજર હોટલમાં નવમી ઓક્ટોબરે રશિયન યુવાન એલેકઝાન્ડર કેટમોનોવ (ઉં. વ. ૩૩)નો ભેદી સંજોગોમાં અર્ધનગ્ન અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ યુવાન અંગે તપાસ હાથ ધરી હતી. યુવાને વડોદરાની જીંજર હોટલમાં ૧૪મી સપ્ટેમ્બરથી એક મહિના માટે ૩૦૪ નંબરની રૂમ બુક કરાવી હતી. દરમિયાન રશિયન યુવકના પરિવારજનોએ ભારત આવવા માટે તેમજ યુવકનો મૃતદેહ રશિયા લઈ જવામાં અસમર્થતા દર્શાવી હતી. આ પરિસ્થિતિમાં રશિયન એમ્બેસી દ્વારા યુવકના પરિવારજનોની ઈચ્છા મુજબ તેની વડોદરામાં જ અંતિમવિધિ કરવા માટે સૂચના અપાઈ હતી અને કારેલીબાગમાં આવેલા બહુચરાજી સ્મશાનમાં હિંદુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ ઇલેક્ટ્રીક સ્મશાનમાં યુવકના મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.
રશિયન યુવકના મૃત્યુ અંગે પોલીસે જણાવ્યું હતું કે, ૧૪મી સપ્ટેમ્બરથી શહેરની લીન્ડે કંપનીમાં કામ અર્થે આ યુવક વડોદરામાં આવ્યો હતો અને હોટલ જીંજરમાં રોકાયો હતો. પ્રાથમિક તપાસમાં તેનું હાર્ટએટેકથી મોત થયાની વિગતો મળી હતી. જોકે હજી યુવકના મોતનું ચોક્કસ જાણવા પેનલ પોસ્ટમોર્ટમ ટીમના રિપોર્ટને ધ્યાનમાં લઈ પોલીસ તપાસ કરી રહી છે.