રાજપીપળા: ભારતના પ્રથમ ગે પ્રિન્સ રાજપીપળાના માનવેન્દ્રસિંહ ગોહિલે તેમના વર્ષોજૂના પાર્ટનર ડીએન્ડ્રે રિચર્ડ્સ સાથે અમેરિકામાં ઓહાયો સ્ટેટના કોલંબસ શહેરના એક ચર્ચમાં લગ્ન કર્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. માનવેન્દ્રસિંહ તરફથી તો આ મામલે કોઇ જાહેરાત થઇ નથી કે અહેવાલને રદિયો પણ અપાયો નથી, પરંતુ જેની સાથે તેમણે લગ્ન કર્યા હોવાની વાત છે એ રિચર્ડ્સે આ માહિતી પોતાના ફેસબુક પર પોસ્ટ કરી છે. તેમજ તસવીરો શેર કરી છે, જેમાં મેરેજ સર્ટિફિકેટ પણ સામેલ છે. તેઓ બંને હાલ અમેરિકામાં હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે માનવેન્દ્રસિંહ અને રિચર્ડ્સ ઘણાં વર્ષોથી એકસાથે રહેતા આવ્યા છે અને મોટા ભાગે બંને સાથે જ જોવા મળે છે. તેમણે લગ્નની વાત અનેક વાર કરી છે, પણ લગ્ન કર્યા હોવાની વાતનો ક્યારેય જાહેરમાં સ્વીકાર કર્યો નથી. જોકે હવે રિચર્ડ્સે સોશિયલ મીડિયામાં માનવેન્દ્રસિંહ સાથેના મેરેજની વાત જાહેર કરી છે. રિચર્ડસે તેના અને માનવેન્દ્રના અનેક ફોટા અને મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ સોશિયલ મીડિયામાં મૂક્યા છે. નોંધનીય છે કે 6 જુલાઈ 2022ની તારીખ સાથેના મેરેજ સર્ટિફિકેટમાં અમેરિકાના સ્ટોરવોલ કોલંબસ ખાતેનું સ્થળ બતાવાયું છે.