સંતરામપુરઃ દાહોદ અને મહીસાગર જિલ્લાને જોડતી રાજસ્થાનની બોર્ડર ઉપર રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના કુશલગઢમાં કોરોના વાઈરસના ૩૭ પોઝિટિવ કેસો નોંધાયા છે. જેથી ગુજરાતના બોર્ડર વિસ્તારના લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે દાહોદના ઝાલોદ અને મહીસાગરના સંતરામપુરને જોડતી રાજસ્થાન બોર્ડર સીલ કરી દેવાઈ છે અને રસ્તાઓ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. લોકોએ બોર્ડર પરના રસ્તાઓ પરથી પસાર થવા દેવાતા નથી.
રાજસ્થાનના આનંદપુરામાં વસવાટ
મહીસાગર જિલ્લાના સંતરામપુર નજીક ભમરીકૂંડા પાસે રાજસ્થાન બોર્ડર સીલ કરાઇ છે. સંતરામપુરના ખેડાપા ગામથી રાજસ્થાનનું આનંદપુરી ગામ માત્ર એક કિલોમીટરના અંતરે આવેલુ છે. આનંદપુરી ગામમાં ગુજરાતના પરિવારો પણ વસવાટ કરે છે. જેથી બંને ગામો વચ્ચે સંબંધો છે. જોકે રાજસ્થાનથી કોઈપણ વ્યક્તિ રાજસ્થાનના આનંદપુરીમાંથી સંતરામપુરના ખેડાપા ગામ તરફ પસાર ન થાય તે માટે પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે.