પાટીદારોએ અન્ય પછાત વર્ગમાં સમાવવાની માગણી સાથે મંગળવારે તો અમદાવાદમાં મહારેલીનું આયોજન તો કર્યું જ હતું પરંતુ સોમવારે રાજ્યમાં અનેક સ્થળે રેલીઓ યોજીને ઉચ્ચ સરકારી અધિકારીઓને આવેદનપત્ર આપ્યા હતા. પાટીદારો ઉપરાંત અન્ય જ્ઞાતિના લોકોએ પણ વિવિધ જગ્યાએ રેલીનું આયોજન થયું હતું.
વડોદરાઃ વડોદરાના નવલખી મેદાનમાં અંદાજે દોઢ લાખ પાટીદારોની અનામત રેલી યોજાઇ હતી. શહેરના રાજમાર્ગો પર આ રેલીએ આકર્ષણ ઊભું કર્યું હતું. આ રેલીમાં પાટીદારો ટેમ્પો, ટ્રેકટર, કાર, બાઇકો લઈને ઉમટી પડ્યા હતા.
નવસારીઃ નવસારીની રેલીમાં અંદાજે ત્રીસ હજાર લોકો ઉમટી પડ્યા હતા.
ચરોતરઃ આણંદ, વાસદ, ઉમરેઠ અને સોજીત્રામાં ૧૦ હજારથી વધુ બાઈક સવારોએ રેલી કાઢી હતી. બોરસદમાં રાજપૂત સમાજની રેલી યોજાઇ હતી.
વલસાડઃ સમસ્ત પાટીદાર સમાજની જંગી બાઈક રેલીમાં ૧૫ હજારથી વધુ પાટીદારો જોડાયા હતા.
મુંદ્રાઃ મુન્દ્ર પાટીદાર સમાજ દ્વારા રેલી કાઢીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
કચ્છઃ જિલ્લામાં ભૂજ, ગાંધીધામ, નખત્રાણા, માંડવી, રાપરમાં યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા હતા.
માંડલઃ અમદાવાદ જિલ્લાના માંડલમાં પાટીદારોની મૌન રેલી યોજાઈ હતી, જેમાં ચાર હજારથી વધુ લોકો જોડાયા હતા.
ધારીઃ અમદાવાદની અનામત રેલીને લઈને પાટીદાર સમાજે મંગળવારે ધારી બંધનું એલાન કર્યું છે.
પડધરીઃ પાટીદાર સમાજ દ્વારા તાલુકાના વિવિધ ગામોના ૨૫૦ ટ્રેકટરના કાફલા સાથે રેલી કાઢવામાં આવી હતી.
વાપીઃ પાટીદારોની વિશાળ બાઈક રેલી યોજાઇ હતી.
વેરાવળઃ ગીર-સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળમાં પાટીદારોની રેલી યોજાઈ હતી.
ઘોઘંબાઃ વૈષ્ણવ સમાજ સહિતની અનામત મુદ્દે બાઈક રેલી યોજાઈ હતી. બ્રહ્મસમાજ અને સોની સમાજ દ્વારા બસ સ્ટેન્ડ ખાતેથી અનામત મુદ્દે બાઈક રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગરઃ કંસારા, લોહાણા, મોઢવણિક અને સોની સમાજ દ્વારા અનામતની માગણી સાથે રેલી યોજાઈ હતી. રેલીમાં ચાર હજાર લોકો ઉમટી પડ્યા હતા.
સાણંદઃ અનામતની માગણી સાથે રાજપૂત સમાજની રેલી યોજાઈ હતી. જેમાં ૩૦ હજારથી વધુ રાજપૂતો જોડાયા હતા.
ધંધુકાઃ ક્ષત્રિય, બ્રાહ્મણ, મોલેસલામ દરબાર સમાજ દ્વારા અનામતની માગ સાથે રેલી યોજાઈ
ભાવનગરઃ અનામતના વિરોધમાં પાલીવાલ બ્રહ્મસમાજની રેલી યોજાઈ હતી.
જામજોધપુરઃ લોહાણા અને પાટીદાર સમાજ સંયુકત રીતે બંધ પાળવામાં આવ્યો હતો.
ગોંડલઃ લોહાણા સમાજે રેલી કાઢી અનામત આપો અથવા તેને દૂર કરવાની માગણી કરવામાં આવી હતી.
બનાસકાંઠાઃ જિલ્લાના પાલનપુર, વાવ અને દીયોદરમાં બ્રહ્મસમાજની અનામત રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ ઉપરાંત ડીસામાં લોહાણા સમાજની રેલી યોજાઇ હતી.
ખંભાળિયાઃ લોહાણા સમાજની રેલી યોજાઇ હતી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જૂનાગઢઃ સોની સમાજની રેલી યોજાઇ હતી અને અનામત માગણી કરતું આવેદનપત્ર આપાયું હતું.
ઊંઝાઃ ઊંઝામાં અનામતની માગણી સાથે બ્રહ્મસમાજની રેલી યોજાઈ હતી.
પાટણઃ ૧૦ હજારથી વધુ બ્રાહ્મણ-ક્ષત્રિય સમાજની રેલી યોજાઇ હતી.
શિહોરીઃ ક્ષત્રિય-રાજપૂત સમાજ દ્વારા અનામતની માગ સાથે રેલી યોજાઈ હતી.