વડોદરાઃ નવા યાર્ડ ઇલેક્ટ્રિક લોકોમોટિવ શેડ પાસે આવેલા મેમુ શેડમાં ઓટોમેટિક ટ્રેન વોશ સિસ્ટમનો પ્રારંભ થયાના અહેવાલ ૧૭મી ઓગસ્ટે હતા. રાજ્યના પ્રથમ મેમુ ટ્રેન ઓટોમેટિક વોશ સિસ્ટમથી રેલવેને વાર્ષિક રૂ. ૨૬.૪૫ લાખની બચત થશે. ઓટો કોચ વોશિંગ પ્લાન્ટ એસીડબલ્યુપી તરીકે જાણીતી સિસ્ટમથી ૧૦ જ મિનિટમાં મેમુ ટ્રેનના રેકને ધોઈ શકાશે. સિસ્ટમમાં ૨૦ ટકા નવા પાણીનો ઉપયોગ કરશે. જ્યારે ૮૦ ટકા રિસાઈકલ થયેલું પાણી વપરાશે.
આ સિસ્ટમથી રોજ ૨૪૦ કોચ ધોઈ શકાશે. ૧૫મી ઓગસ્ટે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર આલોક કંન્સલએ વીડિયો કોન્ફરન્સથી આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સિસ્ટમથી કોચની બહારની બાજુએ કલર અને અન્ય પ્રિન્ટિંગનું નુકસાન થતું અટકશે તેમજ ડિટર્જન્ટ પાઉડરની પણ બચત થશે.
વર્ષે ૨૨.૯૯ લાખ લીટર પાણી બચશે
રેલવે દ્વારા પ્રાથમિક તબક્કે રોજના ત્રીસ કોચ ધોવાની ગણતરીએ એક કોચ પાછળ ૨૧૦ લીટર પાણી બચશે. આ મુજબ વર્ષે ૨૨૯૯૫૦૦ લીટર પાણી બચાવશે. આવી જ રીતે અત્યારની પદ્ધતિથી એક કોચ ધોવા પાછળ રૂપિયા ૫૮૮ ખર્ચ થાય છે. જ્યારે નવી સિસ્ટમથી ૨૮૧ રૂપિયા ખર્ચ થશે. જે મુજબ વર્ષે રૂપિયા ૨૬૪૫૦૮૨ બચાવશે.
વડોદરા રેલવેના પીઆરઓ ખેમરાજ મીણા જણાવે છે કે, કોરોના મહામારીમાં શિડ્યુલ્ડ ટ્રેન બંધ છે. ત્યારે વડોદરામાં બેસાડેલી નવી ઓટોમેટિક સિસ્ટમ પર રેલવેના કર્મચારીઓને લઈ જતી મેમુ ટ્રેન ધોવામાં આવે છે. શિડયુલ ટ્રેન શરૂ થયા બાદ અંદાજે ૩૦થી વધુ મેમુ ટ્રેનને આ લાભ મળશે.