રાજકોટ: ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીસીએમએમએફ) અર્થાત્ અમૂલ ભારતની એવી પહેલી ડેરી બની છે જેને રાબો બેંકે તૈયાર કરેલી વિશ્વની ટોચની ૨૦ ડેરી કંપનીઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે. રાબો બેંક બેંકિંગ અને ફાયનાન્સિયલ ક્ષેત્રની ડચ કંપની છે, જે આ પ્રકારે યાદી તૈયાર કરે છે. યાદીમાં સોળમા ક્રમે અમૂલ છે જ્યારે પ્રથમ ક્રમે સ્વિત્ઝર્લેન્ડની નેસ્લે છે.
યાદી પ્રમાણે નેસ્લેનું ટર્નઓવર ૨૨.૧ બિલિયન ડોલરનું છે. એ પછી ફ્રાન્સની લેક્ટાલિસનું ટર્નઓવર ૨૧ બિલિયન ડોલર છે. અમૂલનું ટર્નઓવર ૫.૫ બિલિયન ડોલર છે. અમૂલના મેનેજિંગ ડિરેક્ટર આર. એસ. સોઢીએ આ ઘટનાને ગુજરાતના ૩૬ લાખ જેટલા દૂધ ઉત્પાદકોનું ગૌરવ ગણાવી હતી. આ તકે તેમણે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનો કોવિડની સ્થિતિમાં દૂધ ઉત્પાદકોની વહારે આવવા બદલ આભાર માન્યો હતો.
રાબો બેંકની ટોપ-૨૦ યાદીમાં ડેરી ફાર્મર્સ ઓફ અમેરિકા ૨૦૧૯માં છઠ્ઠા ક્રમે હતી. તે આ વર્ષે ૨૦.૧ બિલિયન ડોલર સાથે ત્રીજા ક્રમે રહી છે. ફ્રાન્સની ડોનોન ચોથા, ચીનની યીલી પાંચમા, ન્યૂઝિલેન્ડની ફોનટેરા છઠ્ઠા, નેધરલેન્ડની ફ્રાઇનલેન્ડ કેમ્પિના સાતમા, ચીનની મેન્ગનીયુ આઠમા, ડેન્માર્કની અરલા ફૂડઝ નવમા અને કેનેડાની સાપૂતો દસમા ક્રમે છે. સોઢીએ તાજેતરમાં એક કાર્યક્રમમાં એવું કહ્યું હતું કે ભારતનું ડેરી ક્ષેત્ર વિકાસની અપાર ક્ષમતા ધરાવે છે. રોજગારીનાં સર્જનમાં તે અગ્રેસર રહેશે. આવનારા દસ વર્ષમાં ૧.૨ કરોડ નોકરીઓનું સર્જન આ ક્ષેત્રમાં થશે. સોઢીએ એમ પણ કહ્યું હતું કે, વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો ૨૧ ટકાનો છે. ભારતમાં પાંચ ટકાના દરે બજાર વિસ્તરી રહ્યું છે, જ્યારે વૈશ્વિક દર ફક્ત ૧.૮ ટકાનો છે.