વડોદરાઃ કરજણના શિવવાડી આશ્રમમાં રામેશ્વરમાંથી લવાયેલો પથ્થર છેલ્લા ૨૦ વર્ષથી પાણીમાં તરે છે. આ પથ્થર સતયુગમાં રામસેતુમાં ઉપયોગમાં લેવાયો હતો એવી ભકતોની માન્યતા છે. જોકે સાયન્સના નિષ્ણાતો તેને દરિયાઈ જીવ કોરણ હોવાનું માને છે.
સતયુગમાં ભગવાન રામે લંકા જવા માટે સમુદ્ર પર સેતુ બાંધવાની શરૂઆત કરી હતી ત્યારે નલ નીલે પથ્થરો પર રામ નામ લખીને સમુદ્રમાં ફેંકતા પથ્થરો તરી ગયા હતા. કળિયુગમાં પથ્થર પાણી પર તરવાની ઘટના જોવા મળી રહી છે. કરજણમાં આવેલા શિવવાડી આશ્રમના મહંત શ્રી ભોલાગીરી બાપુ વીસ વર્ષ પહેલાં રામેશ્વર ગયા હતા અને ત્યાંથી ૨૧ કિલોનો પાણીમાં તરતો પથ્થર લઈ આવ્યા હતા.
પથ્થર કરજણ લાવ્યા પછી આશ્રમમાં કુંડ બનાવીને ભવ્ય શોભાયાત્રા કાઢીને પથ્થરને કુંડમાં સ્થાપિત કરાયો હતો. ત્યારથી આજ દિવસ સુધી આ પથ્થર પાણીમાં તરી રહ્યો છે. શિવવાડી આશ્રમમાં ભગવાન ભોલેનાથનું મંદિર પણ આવેલું છે. આ પથ્થરના દર્શન માટે દૂર દૂરથી અનેક શ્રદ્ધાળુઓ આવે છે. ૨૧ કિલોનો આ પથ્થર ચમત્કારિક રીતે તરી રહ્યો છે. જે અનેક રહસ્યો ઉભા કરે છે.