વડોદરાઃ ભારતનો સ્વતંત્રતા દિન ભારત સાથે વિશ્વભરમાં ઉજવાયો. વડોદરાના યુવાને આ વખતે તેની ઉજવણી યાદગાર રહે તેવો પ્રયાસ કર્યો હતો. ૧૫મી ઓગસ્ટના રોજ લોકોમાં રાષ્ટ્રપ્રેમની સાથે પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાય તે માટે બાયોડિગ્રેડબલ સીડ પેપરમાંથી યુવાને રાષ્ટ્રધ્વજ બનાવ્યો હતો. આ રાષ્ટ્રધ્વજના ઉપયોગ બાદ તેને કુંડામાં રાખવાની થોડા દિવસ બાદ તેમાંથી છોડ ઊગી નીકળશે.
સિડ્સ ફ્લેગ બનાવનાર વિશાલ સોનીએ જણાવ્યું હતું કે, દર વર્ષે ૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરીની ઉજવણી બાદ પ્લાસ્ટિકના ધ્વજ રસ્તા પર તેમજ કચરામાં જોવા મળતા હોય છે. પર્યાવરણમાંથી પ્લાસ્ટિક નાબૂદ કરવા ધ્વજ સિડ્સ ફ્લેગનો બનાવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. આ કાર્યમાં રાષ્ટ્રીય ભાવના પણ દુભાય નહીં અને પર્યાવરણને પણ નુકસાન થાય નહીં.
તેમણે જણાવ્યું કે, આ ઝંડામાં તુલસીના માંજર નાખીને બનાવેલા પેપરનો ઉપયોગ કરાયો છે. ધ્વજના ઉપયોગ બાદ તે કુંડામાં માટી સાથે મિક્સ કરી શકાશે તો થોડા દિવસમાં તેમાંથી છોડ ઊગશે.