વડોદરાઃ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ૬૬માં પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની હાજરીમાં સોમવારે યોજાઈ ગયો હતો. વસંતપંચમીની શુભેચ્છા પાઠવતાં રાષ્ટ્રપતિએ ૧૫૯ વિદ્યાર્થીઓને ૨૬૭ ગોલ્ડમેડલ સાથે ૧૧ હજાર જેડલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરતાં શીખ આપતાં વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, હવે અહીંથી બહાર નીકળી વ્યવહારિક અને જીવનની પાઠશાલાના પડકારો સામે પોતાની પ્રતિભાને ઉજાગર કરી સમાજ-દેશના વિકાસ સાથે તાલ-મેલ કરવાનો સમય આવ્યો છે. તેવા સંજોગોમાં ચિત્ત, એકાગ્રતા, નિષ્ઠા અને ઇમાનદારી સાથે ચાલશો તો કોઇ પણ પડકારો પાર કરી શકશો.
તેઓએ રાજવી સયાજીરાવ ગાયકવાડની દીર્ધદૃષ્ટિ વખાણતાં ૨૨મીએ કહ્યું કે, વડોદરા સંસ્કારી નગરી, સાંસ્કૃતિક રાજધાની તરીકે જાણીતી હતી તેનો શ્રેય રાજવી સયાજીરાવને જાય છે. સયાજીરાવને શિક્ષણને બેઝીક ગણાવ્યું હતું તેનું પ્રતિબિંબ આજે જોવા મળી રહ્યું છે. આ સાથે વડોદરાના નંદેસરી જીઆઇડીસીમાં રવિવારે સવારે જીએસપી ક્રોપ સાયન્સીસ પ્રા. લિ.ના પ્લાન્ટમાં પ્રચંડ ધડાકા સાથે લાગેલી આગમાં માર્યા ગયેલા ચાર મૃતકો માટે તેમણે ખેદ વ્યક્ત કરતા શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ગુજરાતની મુલાકાત દરમિયાન રવિવારે અમદાવાદની ગુજરાત યુનિ. અને સોમવારે વડોદરાની મ.સ.યુનિ.ના પદવીદાન સમારોહમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનારાઓમાં વિદ્યાર્થીનીઓની સંખ્યા વધુ હોવાનું ખાસ ટાંકીને તેમણે જણાવ્યું હતું કે, મને ગૌરવ થાય છે કે દેશની દીકરીઓ આગળ વધી રહી છે. આ ખરેખર માત્ર ગુજરાત જ નહી પરંતુ આખા દેશ માટે ગૌરવ લેવા જેવી બાબત છે. બેટીઓ આગળ વધશે, દેશ આગળ વધશે, દીકરીઓ જ દેશના વિકાસનું પ્રતિબિંબ પાડે છે. ગુજરાતની બે દિવસની મુલાકાત દરમિયાન ઇન્ફ્રાસ્ટ્રકચર અને આધુનિક સુવિધાઓ અને વિકાસનો માહોલ જોઇને તેમણે મુખ્ય પ્રધાન સહિત રાજ્ય સરકારની આખી ટીમની પ્રશંસા કરી હતી.