વડોદરા કારેલીબાગના સાધના નગરમાં રહેતા જીવદયા પ્રેમી દીપ્તિબહેનની આ વાત છે. તેઓ કહે છે કે, લોકડાઉન શરૂ થયાના એક-બે દિવસમાં જ સોશિયલ મીડિયા પર શેરીમાં રખડું કૂતરું ભૂખથી મરી ગયું હોવાના સમાચાર જોયાં હતા. આ જોઈને લોકડાઉનના ત્રીજા દિવસે મારા પર્સનલ ઉપયોગ માટે લીધેલા એક લાખ લોનના રૂપિયા મૂગા પશુઓ માટે વાપરવાનું નક્કી કર્યું હતું. મારી જોબ સામાન્ય છે પણ કોઈની મદદ લીધા વગર સ્વખર્ચે રોજ વિવિધ વિસ્તારના ૫૦૦થી વધુ કૂતરાં, બિલાડી, ગાય અને વાંદરાને ખવડાવું છું એમ દીપ્તિબહેને કહ્યું હતું.
દીપ્તિબહેન કહે છે કે, મને કંઈ થાય તો ચાલે પણ પ્રાણીઓને કંઈ ન થવું જોઈએ એવો સંકલ્પ મેં આજથી ૩૦ વર્ષ પહેલાં લીધો હતો. લોકડાઉનમાં મેં આરામ કરવાને બદલે મૂગા પશુઓની સેવા કરવા માટે બપોરે એકલી ત્રણથી ચાર કલાકમાં ૧૦ કિલો જેટલી રોટલી, ૨૫ કિલો પૌંઆ બનાવીને સાથે ૧૫થી ૧૭ લીટર દૂધ લઈને સાંજે છ વાગ્યે ઘરેથી નીકળું છું. મારી સાથે સ્લમ વિસ્તારના ચાર છોકરાં પણ મદદે આવે છે. અમે પાંચેય કારેલી બાગથી રાવપુરા સુધી ૮ કિ.મી. ચાલીને રસ્તામાં જેટલા કૂતરાં, ગાય અને વાંદરા દેખાય તેને ખવડાવીએ છીએ અને રાત્રે નવ વાગ્યે ઘરે પરત પરીએ છીએ.
મારી નોકરી જ્યારે વાસદ હતી ત્યારે રસ્તામાં જ્યારે પણ ગાયોને કતલખાને લઈ જતી જોતી ત્યારે તેનો જીવ બચાવીને પાંજરાપોળમાં મૂકી આવું છું. ઉપરાંત મારી પાસે હંમેશા ફર્સ્ટ એડ કિટ રાખું જ છું એટલે પ્રાણી કે પક્ષી કોઈ પણ ઘવાયેલું જોઉં એટલે તુરંત તેને પ્રાથમિક સારવાર આપું છું.