વડોદરાઃ કાળા નાણા પર સર્જિકલ સ્ટ્રાઈક દરમિયાન રૂ. ૧૬૦૦ કરોડના બેન્ક ડિફોલ્ટર કેમરોક ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન કલ્પેશ પટેલ ગુજરાત હાઈ કોર્ટના ઓર્ડર સાથે ૧૧મી નવેમ્બરેની રાત્રે લંડનથી અચાનક જ વડોદરા આવી પહોંચ્યા હતા. જોકે, કેમરોક તરફથી સત્તાવાર નિવેદનમાં એવી સ્પષ્ટતા કરાઈ છે કે તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરીને કલ્પેશ પટેલ વડોદરા પરત ફર્યા છે. બેન્કોનું અગાઉનું રૂ. ૧૬૩૦ કરોડનું લેણું ચૂકવી દેવાયું છે અને હવે બેન્કોના રૂ. ૧૬૦૦ કરોડ ચૂકવવાના બાકી છે જે આગામી સમયમાં ચૂકવી દેવાશે.
કેમરોકના ચીફ ફાયનાન્સ ઓફિસર સંજીવ જૈને અખબારોને સત્તાવાર યાદી મોકલાવીને જાહેરાત કરી હતી કે કલ્પેશ પટેલે કંપનીને બચાવવાની ખાસ કામગીરી માટે વિદેશમાં હતા તેઓ કંપનીને બચાવવા માટે યોગ્ય રોકાણકારોની શોધમાં હતા કેમ કે કંપનીની પ્રોડક્ટ કાર્બન ફાયબર સ્ટ્રેટેજીક પ્રોડક્ટ છે અને તે દેશના એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટર માટે ઉપયોગી છે. દરમિયાન કંપનીને બચાવવાનો ઉપાય મળી ગયો છે અને કલ્પેશ પટેલની સામે રેડ કોર્નર નોટિસ પણ રદ કરી દેવાઈ છે. હાઈ કોર્ટે એવું પણ તારણ કાઢ્યું છે કે કંપનીએ બેન્કોના બાકી લેણા પૈકી ૧૬૩૦ કરોડ રૂપિયા વ્યાજ સાથે ચૂકવી દીધા છે. જ્યારે બેન્કો દ્વારા નિમવામાં આવેલા વેલ્યુઅરે કંપનીની આશરે રૂ. ૧૮૦૦થી ૨૦૦૦ કરોડની વેલ્યુ કાઢી છે.
સંજીવ જૈને કહ્યું હતું કે કંપનીનો હેતુ બેન્કોની લોન લઈને નાણા ડુબાડી દેવાનો ના હતો એટલે જ સન ૨૦૦૭થી ૨૦૧૩ દરમિયાન કંપનીએ વિવિધ બેન્કોમાંથી રૂ. ૧૦૦૦ કરોડની લોન લઈને વ્યાજ સાથે રૂ. ૧૬૩૦ કરોડનું ચૂકવણું પણ કરી દીધું હતું. ૨૦૧૩ બાદ કંપનીની આર્થિક સ્થિતિ બગડતા ૧૧ બેન્કોના બાકી નીકળતા ૧૬૦૦ કરોડ રૂપિયા ભરી નથી શકાયા પરંતુ આ બાકી લેણા ચૂકવવા માટે પણ કલ્પેશ પટેલ સક્રિય રીતે કામ કરી રહ્યા છે. જેના ભાગરૂપે જ તેઓ વડોદરા પરત ફર્યા છે.