વડોદરા: નવેમ્બર-૨૦૧૮માં વડોદરાની એક યુવતીના લગ્ન મહેસાણાના સુંઢિયા ગામના રહેવાસી અને એનઆરઆઈ કુલેશ પટેલ સાથે થયાં હતાં. લગ્ન સમયે જ પોત પ્રકાશીને સાસરિયાંએ માંડવે જ યુવતીના પિતા પાસે દહેજ પેટે રૂ. ૫૦ લાખ માગીને કહ્યું હતું કે, માગ પૂરી કરશો તો જ છોકરીને અમેરિકા મોકલીશું.
એ અને એના પછીની પણ સાસરિયાની બધી માગ પિયરિયા પૂરી કરતા રહેતા હતાં, છતાં સાસરિયા યુવતીને હેરાન કરતા રહેતા હતા. આખરે યુવતીએ તાજેતરમાં મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યુવતીએ જણાવ્યું છે કે, લગ્ન સમયે જ મારા સાસુ - સસરાએ મારા પિતા પાસે રૂ. ૫૦ લાખ માગીને કહ્યું હતું કે, જો રૂપિયા નહીં મળે તો છોકરી અમેરિકા નહીં જાય. સાસરીમાં પણ લઇ જવા માટે સાસરિયાઓએ આનાકાની કરતાં મારા પિતા તેમને ખૂબ કરગર્યા હતા. એ પછી પણ તેમણે દહેજ માટે માગ કરી હેરાનગતિ કરી હતી અને મારી મારઝૂડ કરી હતી. મારી નણંદ પણ આ લોકોને ઉશ્કેરતી હતી. સાસરિયાંએ મારા ૪૦ તોલાના દાગીના અને એક કિલો ચાંદીના દાગીના પણ લઇ લીધાં હતાં.
યુવતીએ કહ્યું કે, ગોવા હનિમૂન પર જવા અમે વડોદરા એરપોર્ટ ગયા ત્યારે પતિએ ખર્ચના રૂપિયા લઈ લીધા છે કે કેમ? તેવું પૂછ્યું. મેં કહ્યું કે, ટિકિટનો ખર્ચ મેં કર્યો છે. બાકીનો ખર્ચ તો પતિએ કરવાનો હોય ને? ત્યારે પતિ ઉશ્કેરાઇ ગયા હતા અને એરપોર્ટ પર જ મને માર મારતાં સિક્યુરિટી ગાર્ડે છોડાવી હતી. એ પછી અમે ટૂર પર જવાના બદલે ઘેર પાછા આવી ગયા હતા.
યુવતીએ જણાવ્યું કે, સાસરિયા હાલમાં અમેરિકા રહે છે. હું પણ અમેરિકા ગઇ ત્યારે ત્યાં પણ મને દહેજની રકમ માટે હેરાન કરી કાઢી મૂકી હતી. જેથી હું અહીં પરત આવી ગઇ છું. મહિલા પોલીસે આ ફરિયાદના આધારે પતિ કુલેશ પટેલ, સસરા અંબાલાલ પટેલ, સાસુ રમીલાબહેન અને નણંદ વૈશાલી પટેલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.