વડોદરા: અંદાજે રૂ. અઠ્ઠાવીસ કરોડના રૂબી (હીરા)ના મામલે ૨૦૦૬માં ત્રેવડી હત્યાની ઘટનામાં કોર્ટે મુખ્ય આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે એક મહિલા સહિત અન્ય અઢારને નિર્દોષ ઠેરવીને રૂ. ૧૦ હજારના બોન્ડ અને જામીન મેળવવીને મુક્ત કરવા આદેશ કર્યો છે. વડોદરાના માંજલપુરના રહીશ લલિતચંદ્ર મોહનલલાલ ઠાકરના બે દીકરા મિહિર અને દર્શન જયપુર જવા નીકળ્યા બાદ ગુમ થયાની પરિવારજનોએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. પોલીસ તપાસમાં જયંતિ પટેલિયા અને સાગરિતોએ બંને ભાઈ અને એક બાલકૃષ્ણ પટેલની રૂબી મેળવવા ૬ ડિસેમ્બર, ૨૦૦૬ના દિવસે હત્યા કર્યાનું ખૂલ્યું હતું. પંચમહાલના શહેરા નજીક ટેકરી પર હત્યા બાદ મૃતકોની લાશ ખાડામાં દાટી દેવાઈ હતી. મૃતકોના કપડાં, પાસપોર્ટ, બેન્કની પાસબુક વગેરે અલગ અલગ સ્થળે સંતાડી હતી. જયંતિ રૂબી લઇને ફરાર થઈ ગયો હતો. એ પછી જયંતિએ પ્રેમિકા જ્યોતિ સતિષકુમાર સાથે મળીને વિવિધ જગ્યાએ રૂબી વેચવાનો પ્રયત્ન કર્યો હતો. જયંતિ રૂબીચોરીના ગાળામાં વાપરેલી સ્કોર્પિયોની નંબર પ્લેટ પણ બદલતો રહેતો હતો. પોલીસે આ કેસમાં ૧૯ની ધરપકડ કરી હતી.