નડિયાદઃ કપડવંજ તાલુકાના આંતરસુબા ગામે રહેતા લંડન રિટર્ન યુવક શૈલેષ પટેલે ૧૯મીએ જન્મદિવસની આગલી રાત્રે શરીર ઉપર જ્વલનશીલ પદાર્થ છાંટીને આપઘાત કર્યો હતો. આત્મહત્યા પૂર્વે યુવકે ૧૦ પાનાની સૂસાઇડ નોટ લખી હતી. જેમાં તેણે પત્ની અને સાસરિયાથી કંટાળી આ પગલું ભર્યાનું લખ્યું હતું. આ ઉપરાંત પત્ની અને તેના ભાઈઓએ તેની પાસેથી રૂ. ૪૦ લાખ પડાવી લીધા અને તેની સામે દહેજ ઉત્પીડનનો કેસ કર્યો એવા ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે શૈલેષ ઉર્ફે પિન્ટુ જીવણલાલ પટેલ ૨૦૧૦માં સ્ટુન્ટ વિઝા ઉપર લંડન ગયો હતો. ત્યાંથી પરત આવીને અમદાવાદના બાપુનગરમાં રહેતી ભૂમિકા ઉર્ફે રેણુકા ઉર્ફે રેખા જોશી સાથે ૩-૭-૨૦૧૬ના રોજ તેણે લગ્ન કર્યાં હતાં. સૂસાઈડ નોટમાં લખ્યું હતું કે, રેખા અને તેના કુટુંબે શૈલેષ પર દબાણ કરતાં તેણે અમદાવાદમાં ભાડાનું ઘર રાખ્યું. જોકે, રેખા સાથે તેના સંબંધો સારા નહોતા તેથી તે ડિપ્રેશનમાં રહેતો. રેખાના ભાઇઓ પ્રશાંત અને સંજય અને જનક શર્મા શૈલેષને ત્રાસ આપતા અને નરેન્દ્ર પટેલ નામના યુવક સાથે રેખાને આડાસંબંધો હોવાથી તેણે આત્મઘાતી પગલું ભર્યું છે. આતરસુંબા પોલીસે આ કેસમાં કાર્યવાહી હાથ ધરી છે.