આ પ્રસંગે પાટીદારોની ગઈકાલ, આજ અને આવતીકાલ વિષય પર જાણીતા લેખિકા અને વક્તા કાજલ ઓઝા વૈદ્યે જણાવ્યું હતું કે, ‘પાટીદારોના મૂળ ખૂબ ઊંડા છે, જેને હચમચાવી શકાય નહીં. પાટીદારોને સામ, દામ, દંડ, ભેદ હસ્તગત હોય છે. આજે પણ પાટીદારો પોતાનું અસ્તિત્વ અને સંસ્કૃતિ દુનિયાના દરેક ખૂણે જાળવીને બેઠાં છે. વિશ્વના કોઈપણ ખૂણામાં રહેતા પાટીદારના ઘરે ખીચડી ચોક્કસ ખાવા મળે.’ સાચી લક્ષ્મી ડોલર, પાઉન્ડ કે રૂપિયામાં નથી, સાચી લક્ષ્મી એ ગૃહલક્ષ્મી છે તેમ જણાવી ચાલુ વર્ષે એક પુત્રવધૂને ધર્મજરત્નનું ગૌરવ આપીને ટીમ ધર્મજે સમાજને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આણંદના સાંસદ અને ધર્મજના જમાઈ દિલીપભાઈ પટેલે જણાવ્યું હતું કે ધર્મજ એક એવું ગામ જ્યાં સંપ અકબંધ છે. સન્માનના પ્રત્યુત્તરમાં મીનાબહેન પટેલે જણાવ્યું હતું કે, ‘જીવનની મારી પ્રગતિમાં મારા સાસુ, સસરાના આશીર્વાદ સહિત મારા પતિનો ખૂબ જ સહકાર રહ્યો છે. આ એવોર્ડ તેમને અર્પણ કરું છું.’ તેમણે ટીમ ધર્મજનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે સૂર્યકાંતભાઈ પટેલ, તેજલબહેન અમીન, અશોકભાઈ પટેલ, મુકુંદભાઈ પટેલ, સરપંચ વિજયભાઈ પટેલ સહિત દેશવિદેશથી પધારેલ ધર્મજીયનો અને ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા રાજેશભાઈ પટેલ, હેમંતભાઈ પટેલ, સ્નેહલભાઈ પટેલ, નૈનેશભાઈ પટેલ સહિત ટીમ ધર્મજે જહેમત ઊઠાવી હતી.
સહશતાબ્દી મહોત્સવ પણ ઉજવાયો
ધર્મજ ખાતે ગ્રામ પંચાયત, સેવા સહકારી મંડળીને ૧૦૦ વર્ષ પૂર્ણ થયા છે, દૂધ ઉત્પાદક સહકારી મડંળીને ૫૦ વર્ષ તથા ગામના પ્રતીક સમાન નાથાભાઈ દેસાઈભાઈ પટેલ ટાવર ૭૫ વર્ષ પૂર્ણ થતાં ગત સપ્તાહે ત્રિદિવસીય સહ શતાબ્દી મહોત્સવ વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો. દૂધ ઉત્પાદક મંડળીના પંકજભાઈ પટેલે આ સંસ્થાઓના ઇતિહાસ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે પ્રમુખ પદે હસમુખભાઈ સી. પટેલ (યુકે) ઉપસ્થિત રહ્યા હતા.