કોર્ટે આ કેસમાં આસિસ્ટન્ટ પોલીસ કમિશનરને જાતે તપાસ કરીને ૨૩ ડિસેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે.
કેસની વિગત એવી છે કે, પરસોત્તમભાઈ પટેલે ૧૩ ઓક્ટોબર, ૨૦૦૮ના રોજ વડોદરાના કારેલી બાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેમનો પૌત્ર સુરજ સુનિલભાઈ પટેલ અચાનક ગુમ થયો છે. પરસોત્તમભાઈ એનઆરઆઇ હતા, તો તેમનો પૌત્ર સુરજ પણ ૧૯૯૦માં લંડન ખાતે જન્મ્યો હતો. ભણવા માટે તે દાદા પાસે ભારત આવ્યો હતો. આઠમા ધોરણમાં તેણે પ્રવેશ મેળવીને ધોરણ-૧૦ પણ ગુજરાતમાં જ પાસ કર્યું હતું. ગુમ થયો ત્યારે તે ધોરણ-૧૨માં અભ્યાસ કરતો હતો. પોલીસે તપાસ હાથ ધરીને બે વ્યક્તિઓની સઘન પૂછપરછ કરી હતી. તે બન્નેના લાઈ ડિટેકશન ટેસ્ટ કર્યા હતા. જોકે તેમાં કોઈ સફળતા મળી ન હતી. અન્ય એક શંકાસ્પદ વ્યક્તિને હજુ સુધી પોલીસ શોધી શકી નથી. આ વ્યક્તિ અત્યારે લંડનમાં હોવાની પોલીસને શંકા છે.
પોતાના પૌત્રને શોધવામાં પોલીસ કોઈ યોગ્ય પગલાં નહીં લેતી હોવાનું જણાતા પરસોત્તમભાઈએ આ કેસમાં હાઇ કોર્ટમાં પિટિશન કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, પોલીસને તપાસ માટે યોગ્ય આદેશ આપવામાં આવે. બીજી તરફ, કેસનો કોઇ નિવેડો આવે તે પહેલાં તાજેતરમાં પરસોત્તમભાઇનું અવસાન થતાં હવે ફરિયાદીની ગેરહાજરીમાં આ ફરિયાદ ચલાવવી કે કેમ તેવો પ્રશ્ન ઊભો થયો હતો. સુનાવણી દરમિમાયન જસ્ટિસ જે. બી. પારડીવાલાએ નોંધ્યું હતું કે, ૨૦૦૮થી યુવાન ગુમ છે તે કેસને બંધ કરવા માટે કહી ન શકાય. આ કેસમાં હાઇ કોર્ટ થોડો વધુ સમય મોનિટર કરશે.
છેલ્લે પાવાગઢમાં હતો?
પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું હતું કે, સૂરજ આણંદમાં લાઇસન્સ કઢાવવા માટે ગયો હતો. ત્યાંથી બસમાં બેઠો પછી તે ક્યાં ગયો તેની કોઈ ખબર નથી. બીજી તરફ તેના મોબાઇલ ફોનનું છેલ્લું લોકેશન પાવાગઢ નજીકની તળેટીમાં છે. જ્યારે તેના દાદાએ પોલીસને કહ્યું હતું કે તે ગુમ થયો તે પહેલાં ગોવા જવાનું કહેતો હતો. યુવકનો ફોન તેના મિત્ર પાસેથી મળ્યો હતો જેનો પોલીસે લાઇ ડિટેકશન ટેસ્ટ કરાવ્યો હતો. જોકે પોલીસને હજુ સુધી તેમાં કોઈ સફળતા મળી ન હતી.