આણંદઃ શહેરમાં રહેતા પારૂલ પટેલ ધો. ૬માં અભ્યાસ કરતા હતા ત્યારે હર્ષદ પટેલ નામની વ્યક્તિએ તેમને દત્તક પુત્રી તરીકે અપનાવ્યાં હતાં. હર્ષદભાઈને ૭થી ૮ વર્ષ અગાઉ શરીર પર લકવો થઈ ગયો હતો ત્યારે આ દત્તક પુત્રી પારૂલ પટેલે હર્ષદ પટેલની સેવા કરવા શિક્ષિકાની નોકરી છોડી દીધી. તેઓ સતત પિતા હર્ષદભાઈની સેવા કરી રહ્યાં છે. પારૂલની મહેનત અને સેવાથી દત્તક લેનાર પિતાનું સ્વાસ્થ્ય હવે સારું છે.
હર્ષદભાઈ હલન ચલન કરી શકે છે. તેમના રોજિંદા કામ - શારીરિક ક્રિયા કરી શકે છે. નોકરી છોડી દીધા પછી પોતાના પાલક અને દત્તક લેનાર પિતાની પ્રેરણાથી પારૂલ પટેલે ગાયની ગમાણ શરૂ કરી હતી. આ કાર્યમાં પારૂલબહેને ભારે સફળતા મેળવી છે.
પારૂલબહેન પાસે શરૂઆતમાં ૧ ગાય હતી. પશુપાલન વિભાગના માર્ગદર્શનથી તેમણે પશુપાલનનો વ્યવસાય જ જારી રાખ્યો. આજે પારૂલ પટેલ પાસે વાછરડી સહિત ૧૨૩ જેટલી ગાયો છે.
ગાય પાલનનો વ્યવસાય
પારૂલબહેન રોજ સવા ૩૦૦થી ૩૦૦ લીટર દૂધ અમુલ ડેરીમાં મોકલે છે. આ રીતે માસિક ૯ હજાર અને વાર્ષિક એક લાખ લીટર દૂધનું અમુલ ડેરીને વેચાણ કરે છે. અમુલ ડેરીની પશુપાલકોને આપવામાં આવતા બોનસની આવક સાથે પારૂલબહેન વાર્ષિક લાખોની આવક મેળવે છે.