વડોદરાઃ લકુલીશ પરંપરાના કુલગુરુ સ્વામી રાજર્ષિ મુનિનું વડોદરા ખાતે નિધન થયું છે. ભગવાન લકુલિશજીની પાવન પરંપરાના પ્રહરી, યોગ સાધનાને જીવન ઉત્કર્ષનું માધ્યમ બનાવનાર પૂ. રાજર્ષિ મુનિના દેહનિર્વાણની ઘટનાએ લાખો અનુયાયીઓ, સાધકોને સ્તબ્ધ કરી દીધા છે. મુનિશ્રી ફક્ત યોગ પુરુષ જ નહીં, યુગ પુરુષ હતા. અન્ય આધ્યાત્મિક વ્યક્તિત્વની જેમ પૂ. રાજર્ષિ મુનિની પણ દિવ્ય ચેતના તો સદૈવ સાથે રહીને લોકોના જીવનમાં અજવાળાં પૂરશે.
1971થી સ્વામી ક્રિપાલાનંદજીના આશિષથી અધ્યાત્મ ક્ષેત્રે પોતાનું જીવન સંપૂર્ણ સમર્પિત કરીને અનેક સામાન્ય લોકોને સાધક બનાવનાર પૂ. રાજર્ષિ મુનિનું જીવન અને યોગદાન હંમેશા પ્રેરક રહેશે. 11 ફેબ્રુઆરી 1933ના રોજ પોરબંદર રાજ્યના કારભારી શ્રી દેવિસિંહજી જાડેજાને ત્યાં પુત્રરૂપે સંતાનનો જન્મ થયો હતો. લકુલીશ ભગવાનના નામથી શરૂ થયેલી સંસ્થાના માધ્યમથી સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ક્રાંતિનો મોટો પથ તેમણે કંડાર્યો હતો.