વડોદરાઃ લક્ષ્મીવિલાસ પેલેસના દરબાર હોલમાં લાગેલા ૮ ઝુમ્મરો પૈકી ૪ ઝુમ્મરો ૧૦મી જુલાઈએ ફ્રાંસથી રિસ્ટોર થઇને આવી ગયા અને ફ્રાંસના નિષ્ણાત આર્ટિસ્ટોએ તેને લગાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. બાકીના ૪ ઝુમ્મરોને પણ તેઓ ફ્રાંસ લઇ જશે અને ત્યાં રિસ્ટોર થયા બાદ તેને પણ ટૂંક સમયમાં લગાવી દેવાશે.
મહારાજા સયાજીરાવ ગાયકવાડે ૧૮૯૦માં લક્ષ્મીવિલાસ પેલેસનું નિર્માણ કરાવ્યું હતું અને ત્યારે દરબાર હોલમાં ૮ ઝુમ્મરો લગાવ્યા હતાં. આ ઝુમ્મરો ખાસ ઇંગ્લેન્ડથી તૈયાર થઇને આવ્યા હતાં.
૧૨૬ વર્ષમાં ઝુમ્મરોનો ચળકાટ ઝાંખો થઇ ગયો હતો અને ઝુમ્મરો ક્ષતિગ્રસ્ત પણ થયા હતાં. વિશ્વભરના મહેલોમાં અલભ્ય ઝુમ્મરોનું રિસ્ટોરેશન કરતા ફ્રાંસના વિશ્વ પ્રસિદ્ધ આર્ટિસ્ટ રેજીસ મેથ્યુ અને તેની ટીમે ગત વર્ષે લક્ષ્મીવિલાસ પેલેસની મુલાકાત લીધી હતી અને મહારાજ સમરજીતસિંગને આ ઝુમ્મરોના રિસ્ટોરેશન માટે સૂચન કર્યુ હતું. એ પછી ફેબ્રુઆરી-૨૦૧૭માં તે તૈયાર થઇ જતાં તેને દરબાર હોલમાં લગાવાયા હતા.
તે સમયે ત્રણ ઝુમ્મરોને ફ્રાંસ લઇ જવાયા હતા અને હવે તે પણ તૈયાર થઇ જતાં ઝુમ્મરો મહેલમાં શોભી રહ્યાં છે. ઝુમ્મરો લાગી જતાં સમરજીતસિંગ ગાયકવાડે કહ્યું હતું કે, આ ઘટના ઇતિહાસનું પુનરાવર્તન કરી રહી છે. એ વાતથી મને રોમાંચ થઇ રહ્યો છે કે મહાન રાજવી સયાજીરાવે જ્યારે આ ઝુમ્મર લગાવ્યા હશે ત્યારે આવો જ માહોલ હશે. આ ઝુમ્મરોથી દરબાર હોલની ભવ્યતા ઝળહળવા લાગશે.
પ્રોજેક્ટના ઇન્ચાર્જ એલેક્સિસ કહે છે કે, વિશ્વના અન્ય ઝુમ્મરો કરતા લક્ષ્મીવિલાસના ઝુમ્મરો યુનિક છે.
ઝુમ્મરોની વિશેષતા
• મહારાજા સયાજીરાવે ૧૮૯૦માં ઇંગ્લેન્ડમાં તૈયાર કરાવ્યા હતાં
• તે સમયે ઝુમ્મરોમાં મીણબત્તીનો ઉપયોગ થતો હતો, પરંતુ સયાજીરાવે ઝુમ્મરોમાં મોડિફિકેશન કરાવ્યું કે જેથી મીણબત્તીના બદલે ઇલેક્ટ્રિક બલ્બનો ઉપયોગ કરી શકાય. આથી આ ઝુમ્મરો તે સમયના ખૂબ આધુનિક ઝુમ્મર ગણાતા હતાં.
• એક ઝુમ્મરની ૮ ફૂટની લંબાઇ, પ ફૂટ ગોળાઇ છે. વજન આશરે ૨૫૦ કિલો. બ્રોન્ઝ, સિલ્વરની ફ્રેમ છે અને ગ્લાસ ક્રિસ્ટલથી તૈયાર કરાયેલા છે.
• વર્તમાન સમયમાં એક ઝુમ્મરની બજાર કિંમત રૂ. ૫૦ લાખથી વધુ ગણી શકાય.