ગોધરાઃ ગોધરાથી બે માસ અગાઉ પાકિસ્તાનના કરાંચીમાં લગ્ન પ્રસંગે ગયેલા ૨૬ નાગરિકો લોકડાઉનને પગલે અટવાયા હતા. તેઓની ભારતમાં ગોધરા આવવા માટેની ચાર જૂનની રેલવેની ટિકિટ પણ રિઝર્વેશન કન્ફેર્મ થઈ ગઈ છે. ત્યારે હવે ટૂંકા દિવસો વચ્ચે હોવાથી સત્વરે ભારત સરકાર બોર્ડર ક્રોસ કરવાની વ્યવસ્થા કરે એવી ઈમેલ મારફ્તે જાણ કરી છે.
ગોધરા શહેરમાં વસવાટ કરતાં લઘુમતી સમાજના પાકિસ્તાન ખાતે પરિવારજનો અને સબંધીઓ વસવાટ કરતાં હોવાથી અવર જવર રહે છે. ગોધરા શહેરમાં રહેતાં ઇશાક બોકડા સહિત કુલ ૨૬ વ્યક્તિઓ ૧૧ માર્ચે કરાચી ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા. દરમિયાન જ કોરોના મહામારીને લઈ લોકડાઉન થઈ જતાં પરત ગોધરા આવી શક્યા નહોતા.
બીજી તરફ પાકિસ્તાનમાં લોકડાઉન ખુલી જતાં જ તેઓને ભારતની બોર્ડર સુધી આવવાનો માર્ગ મોકળો થયો હતો. જેથી ઇશાક બોકડા દ્વારા ભારત એટલે કે પોતાના વતન ગોધરા ખાતે આવવા માટે ભારત સરકાર અને પાકિસ્તાનના સંલગ્ન વિભાગોને ઈમેલ મારફ્તે જાણ કરી વ્યવસ્થા કરવાની માંગણી કરવામાં આવી હતી.