લગ્નસરાની ખરીદી માટે નવેમ્બર-ડિસેમ્બરમાં NRIથી ઉભરાતાં ચરોતરના બજારો ખાલીખમ

Thursday 17th December 2020 03:02 EST
 
 

આણંદઃ ચરોતર એટલે એનઆરઆઇનો પ્રદેશ. હાલમાં અહીંના ૬૦ ટકા પરિવારોના સભ્યો વિદેશમાં સ્થાયી થયા છે. દર વર્ષે લગભગ ૫૦૦ જેટલા એનઆરઆઇ પરિવાર નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરીમાં પોતાના સંતાન કે ભાઇભાંડુના લગ્ન કરવા માટે માદરે વતન આવે છે. જોકે આ વખતે કોરોના મહામારીને પગલે અમેરિકા, લંડન, કેનેડા સહિતના દેશોમાં લોકડાઉન છે. તેમજ ઇન્ટરનેશનલ ફલાઇટો બંધ હોવાથી આ વખતે એનઆરઆઇ પરિવારો વતનમાં આવ્યા નથી.
દર વર્ષે આ સિઝનમાં ત્રણ માસ દરમિયાન ૨૨૦૦ જેટલા લગ્ન યોજાતા હતા. તેમાંથી ૬૦૦થી વધુ એનઆરઆઇ પરિવારના રહેતા હતા. તેના કારણે દિવાળીથી ચરોતરના બજારો એનઆરઆઇ ખરીદી માટે ઉમટી પડતા હતા. જોકે આ વખતે એનઆરઆઇ કોરોના પગલે આવી શકયા નથી. તેમજ કેટલાક એનઆરઆઇને તો આ વર્ષે લગ્ન મોકુફ રાખવાનો વખત આવ્યો છે. જેના કારણે ચરોતરના કેટરર્સ, કાપડ બજાર, કોસ્મેટિક બજાર, સોની બજાર સહિત નાના-મોટા ઉદ્યોગને ૫૦૦ કરોડ રૂપિયાથી વધુનો ફટકો પડયો છે. આ ઉપરાંત કેટલાક પરિવારોએ લગ્નમાં ૧૦૦ મહેમાનોની મર્યાદાના કારણે પણ લગ્નપ્રસંગ મુલત્વી રાખ્યા છે.
સોની બજારને આકરો ફટકો
આણંદ-ખેડા જિલ્લામાં દર વર્ષે નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન ૫૦૦થી વધુ એનઆરઆઇ પરિવારો દીકરા-દીકરી કે પોતાના ભાઇ-બહેનના લગ્ન માટે આવતા હોય છે. તેના કારણે આ ગાળા દરમિયાન સોની બજાર સતત ધમધમતું રહેતું હોય છે. આણંદ આવેલી નાની મોટી ૮૦થી વધુ દુકાનો અને સૌથી મોટા જ્વેલર્સની દુકાનોમાંથી દૈનિક ૩ કરોડ રૂપિયાથી વધુનો દૈનિક ધંધો થાય છે. આશરે પાંચ કિલોથી વધુ સોનું વેચાતું હોય છે. પરંતુ આ વખતે કોરોનાના પગલે વિદેશમાં લોકડાઉન હોવાથી તેમજ ઇન્ટરનેશનલ ફલાઇટો બંધ હોવાથી એનઆરઆઇ આવ્યા નથી. જેથી ચરોતરમાં આ સિઝન દરમિયાન માંડ ૧૦૦૦થી ૧૨૦૦ લગ્ન યોજવાની સંભાવના છે, અને તે પણ સાદગીપૂર્ણ રીતે. આનાથી સોની બજાર સહિત સૌને મોટા ફટકો પડયો છે. લગ્ન સિઝનમાં દૈનિક ત્રણેક કરોડ રૂપિયાનું સોનું વેચાતું હતું, તેની જગ્યાએ આજે માંડ ૩૦ લાખ રૂપિયાનું સોનું વેચાય છે. આમ આ ગાળા દરમિયાન ચરોતરમાંના સોની બજારને જ ૨.૫ અબજ રૂપિયાનો આડકતરો ફટકો પડયો છે.
NRIની સિઝન છતાં ધંધામાં મંદી
નવેમ્બર-ડિસેમ્બર એટલે એનઆરઆઇની લગ્ન સિઝન. જોકે આ વખતે લગ્ન સિઝનમાં માત્ર ૧૦ ટકા ધંધો થઇ રહ્યો છે. દર વખતે આ ગાળા દરમિયાન ૫૦ લાખ રૂપિયાનો ધંધો થતો હતો. તેમાંથી મોટી દુકાનમાં દૈનિક ૫૦ લાખ રૂપિયાનો ધંધો થાય, તેમાંથી ૪૦ લાખનો ધંધો તો એનઆરઆઇ થકી થતો હતો. પરંતુ આ વખતે એનઆરઆઇ પરિવારો આવ્યા નથી. દૈનિક માંડ ત્રણથી ચાર લાખ રૂપિયાનો ધંધો થઇ રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter