મહિસાગર જિલ્લાના મુખ્યમથક લુણાવાડામાં ૧૫ ઓગસ્ટે ૬૯મા સ્વાતંત્ર્ય દિનની રાજ્યકક્ષાની ઊજવણી થશે. આ અંગે જિલ્લા કલેક્ટર કે. બી. ઉપાધ્યાયે જણાવ્યું કે, આ રાજ્યકક્ષાનના સ્વાતંત્ર્ય દિનની ઊજવણી જ નહીં પરંતુ આ ઊજવણીથી જિલ્લાના લોકોને કાયમી લાભ અને વધુ લાભ મળી રહે તેવું આયોજન વહીવટી તંત્રે કરવા પ્રયત્ન કર્યો છે. મહિસાગર જિલ્લાના ૬ તાલુકા લુણાવાડા, ખાનપુર, બાલાસિનોર, વીરપુર, સંતરામપુર અને કડાણાના ૩૧ ગામોમાં અને ૯૯,૪૬,૨૪૫ માનવ વસ્તી અને ૧ લાખ ૬૫ હજાર પશુઓની વસ્તી છે. આ પ્રસંગે છ તાલુકાના રૂ. બાવન કરોડ ૯૦ લાખ ૫૫ હજારના ખર્ચે તૈયાર થયેલા ૨૮૦ ડેમોનું લોકાર્પણ થશે તેમ જ રૂ. ૨૧ કરોડ ૨૧ લાખ ૬૩ હજારના ખર્ચે નવનિર્મિત થનાર ૧૨૧ કામોના ખાતમુહૂર્ત થશે. આમ જિલ્લામાં રૂ. ૭૩ કરોડ ૧૨ લાખ ૧૮ હજારના ખર્ચે કુલ ૪૦૧ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત ૧૩ ઓગસ્ટ સુધીમાં થશે.
પાદરાના ધારાસભ્યની બહેનોને અનોખી ભેટઃ વડોદરા પાસેના પાદરા તાલુકાના ધારાસભ્ય દિનેશ પટેલે પોતાના મતવિસ્તારની ૫૧,૧૧૧ બહેનોને રક્ષાબંધન નિમિત્તે વીમાની ભેટ આપવાની જાહેરાત કરી છે. પાદરા વિધાનસભા મત વિસ્તારની કુલ વસ્તી ૨,૧૫,૭૯૮ છે, જેમાંથી ૧,૦૭,૩૫૦ મહિલાઓ છે. આ આંકડાની દૃષ્ટિએ દિનેશ પટેલે પોતાના મતવિસ્તારની દરેક બીજી મહિલાને વીમાની ભેટ આપી છે. દિનેશ પટેલ હજી ત્રણ વર્ષ સુધી ધારાસભ્ય રહેશે. તેમની જાહેરાત મુજબ વર્ષ ૨૦૧૭ સુધી ૫૧,૧૧૧ બહેનોનું પ્રીમિયમ તેઓ ભરશે. દિનેશ પટેલે કહ્યું હતું કે ‘વડા પ્રધાને જાહેર કરેલી વીમાયોજનામાં આ બહેનોનો વીમો લેવાશે. જેનું એકનું વાર્ષિક પ્રીમિયમ રૂ. ૧૨ છે. જેથી આ પ્રીમિયમના કુલ રૂ. ૬,૧૩,૩૩૨ થશે. જે હું મારી અંગત આવકમાંથી ભરીશ.’ રક્ષાબંધનના આગલા દિવસે એટલે કે ૨૮ ઓગસ્ટથી દિનેશ પટેલ આ ભેટ આપવાનું શરૂ કરશે.