ડેલાવર-અમેરિકા ખાતે નવોદિત વાર્તાકાર અને નવલકથાકાર ભાદરણ-વાલવોડના રેખા વિનોદ પટેલના ‘લીટલ ડ્રીમ્સ’ અને ‘લાગણીઓના ચક્રવાત’ નામના બે પુસ્તકોનો વિમોચન સમારોહ ગુજરાતી લિટરરી એકેડમીના પ્રમુખ રામ ગઢવી અને પૂર્વપ્રમુખ પન્ના નાયકના શુભહસ્તે યોજાઈ ગયો.
‘ગાર્ડી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ’ના નિયામક અને ડાયસ્પોરા સાહિત્યના સંશોધક ડો. બળવંત જાનીએ ભૂમિકા આપતા જણાવ્યું હતું કે "રેખા પટેલ સોશ્યલ મિડીયામાં ક્રિયાશીલ છે. ‘ફિલિંગ્સ’, ‘અભિયાન’ વગેરે સાપ્તાહિકોમાં નિયમિત લખે છે. તેઓની કથાઓમાં અમેરિકન ગુજરાતી સમાજની નવી પેઢીના પ્રશ્નો કેન્દ્ર સ્થાને હોય છે.”
આ પ્રસંગે જાણિતા લેખિકા સૂચિ વ્યાસ તથા ગુર્જરી ડાયજેસ્ટના સંપાદક કિશોર દેસાઈ, અકાદમીના રાજેશ ભગત પણ ઉપસ્થિત રહ્યા હતા. પન્ના નાયક અને રામ ગઢવીએ અમેરિકામાં નવોદિતો ઘરે-ઘરે સોશ્યલ મિડીયા દ્વારા અને પ્રિન્ટ મિડીયાના માધ્યમથી સાહિત્યક્ષેત્રે પદાર્પણ કરી રહ્યા છે એનો રાજીપો પ્રગટ કર્યો હતો. આ પ્રસંગે નવોદિત લેખિકા નિકેતા વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા હતા. દીલ રેડિયોના વિજયભાઈ ઠક્કરે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. કૌશિકભાઈ અમીન, સુભાષ શાહ, ચંદ્રકાંત દેસાઈએ શુભેચ્છાઓ પાઠવી હતી.