સંખેડા: લોકડાઉન દરમિયાન સંખેડાના પેટાપરા છાપરિયા ગામની સીમમાં યુવકે ૩૦ ફૂટનો ઊંડો કૂવો ખોદી નાંખ્યો છે. કુવામાંથી પાણી મળ્યું છે. પાણી મળતા હવે કૂવાની આસપાસ ફર્મો ભરવામાં આવશે.
છાપરિયા ગામની સીમમાં પ્રતાપભાઇ તડવીનું ખેતર છે, પણ અહીં સિંચાઇ માટેનું પાણી નહોતું જેથી તેમના પુત્ર બાબરભાઇએ એકલા હાથે જ બે મહિનામાં ૩૦ ફૂટ જેટલો ઉંડો કૂવો ખોદી નાંખ્યો છે. કૂવામાંથી પાણી મળતાં સૌ ખુશખુશાલ છે.
અમારા ખેતરમાં પાણી જ નહોતું આવતું
પ્રતાપભાઇ તડવી કહે છે કે, સિંચાઇ માટે પાણી ન હોવાથી ખેતીમાં મુશ્કેલી રહેતી હતી. લોકડાઉનના બે મહિનામાં મારા છોકરાએ એકલા એ જ કૂવો ખોદી નાંખ્યો છે. એમાંથી પાણી મળતા અમે તેમાં ફર્મો ભરવાનું શરૂ કરવાના છીએ.
બે મહિનાની એકલ મહેનતે કૂવો ખોદ્યો
બાબરભાઈ તડવી કહે છે કે, બે મહિના મહેનત કરીને જાતે કૂવો ખોદી નાંખ્યો છે. તળિયું આવી ગયું છે. જાતે જ માટી બહાર કાઢી છે. પાણી મળ્યું છે. સંખેડા ગ્રામ પંચાયતના સભ્ય હિતેશભાઇ વસાવા કહે છે કે, છાપરિયાના બાબરભાઇએ જાત મહેનત કરીને લોકડાઉનમાં બે મહિનામાં ૩૦ ફૂટ ઊંડો કૂવો ખોદી નાંખ્યો છે. આ સફળતા માટે અમે અને ડે. સરપંચ મહેશભાઇ રાણાએ ત્યાં મુલાકાત લીધી હતી. આ કામગીરી ખરેખર બિરદાવવા લાયક છે.