વલ્લભ વિદ્યાનગરઃ વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા પદ્મભૂષણ લોર્ડ ભીખુ પારેખને માનદ ડોક્ટરેટની પદવી તાજેતરમાં એનાયત કરવામાં આવી છે. લોર્ડ ભીખુ પારેખને આ સત્તરમી માનદ ડોક્ટરેટની પદવી પ્રાપ્ત થઈ છે. આ પ્રસંગે સરદાર પટેલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર હરીશ પાઢે જણાવ્યું હતું કે, લોર્ડ ભીખુ પારેખનો ભારત તથા બ્રિટનના સાંસ્કૃતિક તેમજ રાજનૈતિક વિકાસમાં બહોળો ફાળો રહ્યો છે અને તેમના જેવા રાજનીતિજ્ઞને સાંભળવાનો લહાવો અનેરો રહેશે.
આ પદવીદાન સમારોહમાં લોર્ડ ભીખુ પારેખે વિદ્યાર્થીઓને સંબોધતાં કહ્યું હતું કે, ધાર્મિકતાને મુદ્દો બનાવીને આતંકવાદ ફેલાવી રહેલાઓ સામે માત્ર ઉચ્ચ શિક્ષણ દ્વારા જ બાથ ભીડી શકાશે. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે લોર્ડ ભીખુ પારેખના નિવેદનને સમર્થન આપતાં કહ્યું હતું કે, ધર્મને મુદ્દો બનાવીને આતંક ફેલાવતાં આતંકી સંગઠનો સામે યુવાપેઢીએ સૈદ્ધાંતિક લડત આપીને જીત હાંસલ કરવી જોઈએ અને એના માટે તેઓ શિક્ષિત હોવા જરૂરી છે.