વલ્લભવિદ્યાનગરઃ ભગવાન સ્વામીનારાયણના મુખ્ય ગાદી સંસ્થાન- વડતાલ ખાતે લક્ષ્મીનારાયણદેવ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડની ચૂંટણી ચોથી એપ્રિલે છે. આગામી ૫ વર્ષની સત્તા માટે યોજાનાર રોમાંચક ચૂંટણી જંગમાં પાર્ષદ વિભાગની ૧, સંત અન બ્રહ્મચારી વિભાગમાંથી ૧-૧ જ્યારે ગૃહસ્થ વિભાગમાંથી ૪ મળી કુલ ૭ બેઠકો માટે ૨૬ ઉમેદવારો મેદાનમાં છે. આ મંદિર હેઠળની કરોડો રૂપિયાની મિલકતો સહિતનો વહીવટ હસ્તગત કરવા માટે ધાર્મિક નીતિ-રીતિ કરતાં સત્તાને વધુ મહત્ત્વ આપી ચૂંટણીએ વધુ ઉત્તેજના જન્માવી છે.
સંસ્થાના સંતો-ભક્તો દ્વારા મંદિરની મિલકતો સહિત કરોડો રૂપિયાની આવકનો વહીવટ કબજે કરવા માટે આક્ષેપો-પ્રતિઆક્ષેપબાજી શરૂ થઈ છે.
સીવીએમના ડો. સી.એલ. પટેલની સફળ શસ્ત્રક્રિયાઃ ગુજરાતના સૌથી વિશાળ શિક્ષણ સંકુલ ચારુતર વિદ્યામંડળ (સીવીએમ)ના ૮૦ વર્ષીય અધ્યક્ષ ડો. સી.એલ. પટેલ પર ૩૦ માર્ચના રોજ કોઇમ્બ્તુરસ્થિત હોસ્પિટલના નિષ્ણાત સર્જને સફળ શસ્ત્રક્રિયા કરી હતી. તેમને આઇસીયુમાં રાખવામાં આવ્યા હોવાનું સીવીએમના માનંદ મંત્રી પ્રિ.એસ.એમ. પટેલે જણાવ્યું હતું. કોઈમ્બ્તુર ખાતેની દેશની સારી હોસ્પિટલના વિશ્વ વિખ્યાત સર્જન દ્વારા આ ઓપરેશન કરાવવાનું ન્કકી થયું હતું. આ શસ્ત્રક્રિયા વખતે તેમના અમેરિકા નિવાસી બંને પુત્રો શૈલેશ પટેલ અને વ્રજેશ પટેલ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત રહ્યા હતાં. તબિયત સુધારા પર આવતા ડો. પટેલ વલ્લભવિદ્યાનગર પાછા ફરશે.
પૂર્વ સાંસદ મનુભાઇ પટેલનું નિધનઃ સ્વાતંત્ર્યસેનાની, કોંગ્રેસ સેવાદળના મુખ્ય દળપતિ તથા પૂર્વ સાંસદ મનુભાઈ મોતીભાઈ પટેલનું ગત સપ્તાહે વડોદરા ખાતે નિધન થયું છે. સ્વ. પટેલને કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી, અહેમદ પટેલ, શંકરસિંહ વાઘેલા, અર્જુન મોઢવાડિયા સહિતના આગેવાનોએ શ્રદ્ધાંજલિ અર્પી હતી.