શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે વડતાલ ટેમ્પલ કમિટિની ચૂંટણી ૪ એપ્રિલે શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. કમિટિની છ બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં ચારેય ઝોનમાં સરેરાશ ૫૬ ટકા મતદાન થયું હતું. આ ચૂંટણી વડતાલ સહિત રાજકોટ, સુરત અને મુંબઈમાં યોજાઈ હતી. જેમાં વડતાલમાં ૨૮ બુથ પર, રાજકોટમાં બે બુથ ઉપર, સુરતમાં ૧૭ બુથ ઉપર અને મુંબઈમાં ૩ બુથ ઉપર સંતો, પાર્ષદો અને હરિભક્તોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
વડોદરામાં બનશે રેલવે યુનિવર્સિટીઃ રેલવે અધિકારીઓને તાલીમ આપતી વડોદરાની સંસ્થા નેશનલ એકેડેમી ઓફ ઇન્ડિયન રેલવેને હવે યુનિવર્સિટીનો દરજ્જો મળશે. આ અંગે રેલવે રાજ્ય પ્રધાન દ્વારા તાજેતરમાં જ સત્તાવાર જાહેર કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૫-૧૬ના રેલવે બજેટમાં પણ રેલવે પ્રધાને રેલવે યુનિવર્સિટી શરૂ કરવાની જાહેરાત કરી હતી, જેના પગલે રેલવે મંત્રાલય દ્વારા જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.