વલ્લભવિદ્યાનગરઃ વડતાલ ટેમ્પલ કમિટીની ચૂંટણી પછી છેલ્લા કેટલાક સમયથી અનેક વિવાદો ઊભા થયા છે. ૧ મેએ નામ ધર્માદો સ્વીકારવાના મુદ્દે ભારે હોબાળો મચતાં સમગ્ર મંદિર પરિસર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. સ્વામીનારાયણ સિદ્ધાંત પક્ષના હરિભક્તો મોટી સંખ્યામાં ઊમટી પડતાં વર્તમાન સત્તાધારી જૂથને મૂંઝવણ થઇ હતી.
વડતાલ ટેમ્પલ કમિટીની ચૂંટણીની પૂર્વ તૈયારીરૂપે સિદ્ધાંત પક્ષે વડતાલ મંદિરમાં વહેલી સવારથી નામધર્માદો ભરવા રીતસર કતારો લગાવી હતી ત્યારે વર્તમાન ટેમ્પલ કમિટીના હોદ્દેદારો દ્વારા ધર્માદો લેવા માટે માત્ર એક જ કમ્પ્યૂટર અને સિંગલ વિન્ડો મૂકીને ઉપરાંત દરેક હરિભક્તો પાસે ફોટો આઈ.ડી. કાર્ડ માગતા વિવાદ થયો હતો અને બાદમાં દાન લેવાનું બંધ કરાયું હતું. કહેવાય છે કે, જો તેમનું દાન લેવામાં આવે તો આ હરીફ જૂથના મતદાર વધી જાય. આથી સમય પૂરો થયો છે તેમ કહી દાનની બારી બંધ કરવામાં આવી હતી. અત્યારે ગુજરાત હાઈ કોર્ટમાં ચૂંટણીની મતગણતરીને અને મતદાર યાદીને પડકારવામાં આવી છે. આથી આ હોબાળો થતાં ચકચારી મચી છે.