નડિયાદઃ અંબાવમાં સ્વામીનારાયણ આશ્રમમાં રૂ. ૧.૨૬ કરોડની ડુપ્લિકેટ નોટો સાથે સ્વામી સહિત પાંચથી વધુની ધરપકડ અને તપાસનું બહાર આવ્યા પછી વડતાલ સંપ્રદાયના હરિભક્તોમાં ભારે નારાજગી જોવા મળી હતી. અંતે ૨૭મી ડિસેમ્બરે વડતાલ સ્વામીનારાયણ દ્વારા ત્યાગી સંત તરીકે આ પ્રકરણમાં પકડાયેલા રાધારમણને બરતરફ કરવાની ઘોષણા કરાઈ હતી. એક વ્યક્તિ માટે સમગ્ર સંપ્રદાય બદનામ ન થવો જોઈએ. તેવી આશા પણ વ્યક્ત કરાઈ હતી. હાલમાં રાધારમણ સુરત ક્રાઇમ બ્રાંચની કસ્ટડીમાં છે. બીજી તરફ આશ્રમ માટે ફાળવેલી જમીન હવે મૂળ માલિક દ્વારા પરત માગવામાં આવી છે. હજી સુધી આ જમીન સરકારી ચોપડે તો ખેતીલાયક જમીન જ છે. મૌખિક કરારથી અંબાવના પરિવાર દ્વારા આ જમીન સ્વામીનારાયણ સંપ્રદાયને આપવામાં આવી હતી. અંબાવની આ જમીન બિનખેતી લાયક ઘોષિત થઈ નથી. તેના મૂળ માલિકમાં હાલમાં દિનેશભાઇ પટેલ સહિતના ભાગીદારો છે.
આશ્રમ-મંદિર વિવાદમાં આવ્યા બાદ હવે દિનેશભાઇ દ્વારા આ જમીન પરત માંગવામાં આવી છે. આ અંગે વડતાલ મંદિરના સત્સંગ મહાસભાના પ્રમુખ નૌત્તમપ્રકાશદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, અંબાવના સુખીના મુવાડીમાં રાધારમણદાસ દ્વારા કરાયેલા કૃત્યથી સંપ્રદાયના વડીલ સંતો તથા લાખો હરિભક્તોને ઠેસ પહોંચી છે. આટલું ગંભીર કાર્ય કોઇ પણ સંજોગમાં સાંખી લેવાય નહીં. આથી, તેમને ત્યાગી સંત તરીકેના પદથી બરતરફ કરી દેવામાં આવ્યાં છે.