અમદાવાદઃ સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થસ્થાન વડતાલ ધામ દ્વારા ઓસ્ટ્રેલિયામાં નૂતન મંદિરનું નિર્માણકાર્ય શરૂ કરાશે. વડતાલ ગાદીના વર્તમાન પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તેમજ વડીલ સંતોના આશીર્વાદ, મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડ, સત્સંગ મહાસભા અને સ્થાનિક ભક્તોના સહયોગથી મેલબોર્નમાં મંદિરનું નિર્માણ ક૨વામાં આવનાર છે. મેલબોર્નમાં 10 વર્ષથી સત્સંગ મંડળ કાર્યરત છે. મેલબોર્નમાં ટારનેટ-શ્રેયસ રોડ પર 1.5 એકર જમીન સંપાદિત કરાઈ છે, જ્યાં હાલ સત્સંગ પ્રવૃત્તિ શરૂ કરાશે. ત્યારબાદ જરૂરી મંજૂરી મેળવીને વડતાલ ધામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરાશે.
તાજેતરમાં વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ 2024ના ઉપક્રમે ઓસ્ટેલિયાની સત્સંગ યાત્રાએ ગયેલા વડતાલ સંસ્થાના મુખ્ય કોઠારી ડો. સંત સ્વામીએ વધુમાં જણાવ્યું કે, આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે સ્વયં છ મંદિરો બંધાવ્યા છે. આપણા શ્રેય માટે આજે પણ મંદિરોની ખૂબ જ જરૂરિયાત છે. મેલબોર્નના સત્સંગીઓ માટે ટૂંક સમયમાં જ અહીં વડતાલ તાબાનું ભવ્ય મંદિર નિર્માણ પામશે. આ પ્રસંગે શાકોત્સવ, રંગોત્સવ અને સમૂહ મહાપૂજાનું પણ આયોજન કરાયું છે.