આણંદઃ વડતાલમાં ૨૯મી ઓક્ટોબરથી કાર્તિકી સમૈયાનો પ્રારંભ થયો છે. ભગવાન સ્વામીનારાયણે પોતાના આશ્રિતોને આ સમૈયામાં આમંત્રણ વિના આવવાનું જાહેર કર્યું હતું એવું કહેવાય છે. તેથી ઈષ્ટદેવની આજ્ઞા અનુસાર દેશ-વિદેશથી પધારતા યાત્રાળુઓની ભીડ આ દિવસોમાં વધુ રહે છે. ૨૯ ઓક્ટોબરથી ૪ નવેમ્બર સુધી ચાલનારા આ મહોત્સવનો પ્રારંભ પોથીયાત્રાથી થયો હતો. બેઠકથી વડતાલ મંદિર સુધી ભવ્ય પોથીયાત્રા નીકળી હતી. જેમાં પૂ. સંતો, મહંતો અને હજારો યાત્રાળુઓ જોડાયા હતા.
યાત્રા મંદિરમાં પ્રવેશતા જ અખંડ સ્વામીનારાયણ મહામંત્ર લેખન અને મંત્રગાનનો પ્રારંભ કરાવીને સંતોએ સભામંડપની આગળ નિર્મિત યજ્ઞકુંડમાં ભક્તિ ચિંતામણી હોમાત્મક શરૂ કર્યો હતો. નીલકંઠચરણ સ્વામીજી, બાપુ સ્વામીજી, રામકૃષ્ણ સ્વામીજી, નૌતમ સ્વામીજી, શા. બાલકૃષ્ણ સ્વામીજી, ધર્મસ્વરૂપ સ્વામીજી વગેરે સંતો-મહંતોએ સભામંડપમાં પૂજન વિધિ કરી હતી. કલાકુંજ સત્સંગ મંડળ સુરતના યુવકોએ યજમાનો, સંતો, મહંતોનું નૃત્ય દ્વારા અભિવાદન કર્યું.
પૂ. નીલકંઠચરણ સ્વામીએ કથાના માધ્યમથી કહ્યું કે, વડતાલ અક્ષરધામ છે. અહીં જે ભાવથી કથા કરે, સાંભળે તે જન્મ-મરણથી મુક્ત થાય છે. આ સમગ્ર મહોત્સવની વ્યવસ્થા ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી અને તેમની ટીમ દ્વારા થઈ છે.