નડિયાદ: વડતાલ સ્વામીનારાયણ મંદિરના ગૌશાળા નજીક આવેલા સંતોના નિવાસ સ્થાનના એક મકાનમાંથી ધર્મતનયદાસ સ્વામીજીનો લોહીલુહાણ મૃતદેહ ૧૮મી નવેમ્બરે મળી આવ્યો હોવાનું પોલીસમાં નોંધાયું હતું. આ કેસમાં સ્વામીજીની કોલ ડિટેલ્સ ચેક કરતાં ત્રણ કિશોરોની સ્વામીજીની હત્યામાં સંડોવણી બહાર આવી હતી. સ્વામીજીની નજીક ગણાતા આ કિશોરોએ પૈસાની લાલચમાં સ્વામીજીની હત્યા કર્યાંનું બહાર આવ્યું છે. કિશોરોએ સ્વામીજી કઢંગી હાલત હોય એવી વીડિયો ક્લિપ બનાવવાની પણ કોશિશ કરી હતી ને સ્વામીજીને બ્લેકમેઈલ કરીને પૈસા પડાવવાનું કાવતરું ઘડ્યું હતું તેવું પોલીસ પૂછપરછમાં ખૂલ્યું હોવાનું કહેવાય છે. ધર્મતનયદાસ સ્વામીજી વડતાલ મંદિરના પૂર્વ કોઠારી બાપુસ્વામીના પૂર્વ મંડળમાં હતા. જોકે, સ્વામી કોઈ કારણસર બાપુસ્વામીના મંડળથી અલગ થઈ ગયા પછી એકલા જ રહેતા હતા તેઓ સ્વામીનારાયણ ભગવાનની ભક્તિમાં જ લીન રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. છેલ્લા ઘણા સમયથી તેમણે વિચરણ પણ બંધ કર્યું હતું. ૧૮મીએ સવારે નિત્યક્રમ મુજબ મંદિરમાં મંગળાઆરતીમાં આવ્યા પછી તેઓ નિવાસસ્થાને ગયા હતા. અગિયાર વાગ્યા આસપાસ હરિકૃષ્ણ મહારાજને થાળ ધરીને આરામમાં ગયા હતા.
એ પછી ચાર વાગ્યે મંદિરની આરતીમાં તેઓ ન આવતાં આજુબાજુમાં રહેતા સંતોએ તેમના નિવાસસ્થાનમાં ડોકિયું કરતાં દેખાયું કે સ્વામીના પેટના ભાગે કોઈએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તેમની હત્યા કરી હતી અને લોહીથી લથબથ સ્વામીજીનો દેહ રૂમમાં પડ્યો હતો. તેથી આ ઘટના અંગે ચકલાસી પોલીસને જાણ કરાતાં પોલીસ ટીમે તપાસ આદરી હતી અને પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલાયો હતો.