NRIની વતનમાં ગુરુવંદનાઃ ગુરુનું ઋણ અદા કરવાની અનોખી અને ભાવસભર ઘટના આણંદ ખાતે બની છે. પીજના વતની અને અમેરિકાસ્થિત નરેન્દ્રભાઈ શંકરભાઈ પટેલ ડી. એન. હાઇસ્કૂલના પૂર્વ વિદ્યાર્થી છે અને તેઓ પૂ. વિઠ્ઠલકાકા પ્રત્યે ખૂબ જ સ્નેહ અને આદર ધરાવે છે. તેથી તેમની ૯૭મી જન્મજયંતિએ નરેન્દ્રભાઇએ પોતે અમેરિકા હોવા છતાં આણંદમાં ગરીબોની આંતરડી ઠરે તે માટે નિઃશુલ્ક ભોજનની સુવિધા પૂરી પાડી સદ્દગત ગુરુને અનોખી ભાવવંદના વ્યક્ત કરી છે.
ભૂતાનમાં અમૂલ પેટર્ન ઉપર ડેરી ઉદ્યોગ વિક્સાવાશેઃ વૈશ્વિક ફલક ઉપર સહકારી ક્ષેત્રમાં અમૂલે જે ખ્યાતિ પ્રાપ્ત કરી છે તેમાં સરદાર પટેલ અને ડો. કુરિયનની શક્તિ છે, તેમ ભૂતાનના વડા પ્રધાન શેરિંગ તોગ્બેએ અમૂલ ડેરીની મુલાકાત વેળાએ જણાવ્યું હતું. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૫માં ભાગ લેવા આવેલા ભૂતાનના વડા પ્રધાન ગત સપ્તાહે પરિવાર સાથે અમુલ ડેરીની મુલાકાત લીધી હતી. તોગ્બેએ જણાવ્યું હતું કે હું પણ એક ખેડૂત પરિવારમાંથી આવું છું અને મારા ઘરે પણ ગાય રાખું છું તથા દૂધનું મૂલ્ય હું સમજું છું. મારી પુત્રી નાની છે પરંતુ દેખાય છે મોટી, તેનું કારણ પાવર ઓફ મિલ્ક છે. તોગ્બેએ જણાવ્યું હતું કે ભૂતાનમાં બહુ ઓછી સહકારી સંસ્થાઓ છે, પરંતુ હવે તેમને અમૂલ પેટર્ન ઉપર વિક્સાવવાનો પ્રયત્ન હાથ ધરાશે, કારણ કે આવનારા દિવસોમાં ખેડૂતોના સામાજિક-આર્થિક ઉત્કર્ષ માટે ડેરીઉદ્યોગ ખૂબ જ મહત્ત્વનો બની રહેશે.
બેંક ઓફ બરોડા દ્વારા NRIસંમેલન યોજાયુંઃ બેંક ઓફ બરોડા, આણંદ ક્ષેત્ર દ્વારા તાજેતરમાં અહીંના જે. કે. આનંદ પાર્ટી પ્લોટ ખાતે NRI સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બેંકના સીનિયર નિર્દેશક રંજન ધવન, મધ્ય ગુજરાત અંચલના જનરલ મેનેજર કે.વી. રામામૂર્તિ, ડેપ્યુટી જનરલ મેનેજર જે. ગણેશકુમાર, આણંદ ક્ષેત્રના ડેપ્યુટી જનરલ મેનેજર એસ. કે. ચૌધરી તથા બેંકના અન્ય ઉચ્ચ અધિકારી હાજર રહ્યાં. આ સંમેલનમાં યુકે, યુગાન્ડા, જર્મની, કેન્યા, ફિજી, યુએસએ વગેરે દેશોથી આવેલા ૪૦૦થી વધુ NRI ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા. બેંકના કાર્યપાલક નિર્દેશક રંજન ધવને NRI ગ્રાહકોને બેંકલક્ષી વિવિધ સેવાઓ વિશે માહિતી આપી હતી તેમના સલાહ સૂચનો પણ આવકાર્યા હતા.