નડિયાદઃ સ્વામીનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલમાં ૨૦મી જાન્યુઆરીએ ભવ્ય દીક્ષા સમારોહ યોજાયો હતો. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે મહંત નિત્યસ્વરૂપ સ્વામીના ૫૫ પાર્ષદોને ભાગવતી દીક્ષા આપી હતી. સંપ્રદાયના ઇતિહાસમાં એક જ ગુરુના એક સાથે ૫૫ પાર્ષદોને આચાર્ય મહારાજે દીક્ષા આપી હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે. દીક્ષા લેનારા પાર્ષદોમાંથી ૩૫ પાર્ષદ સંસ્કૃત, અંગ્રેજી અને હિન્દી ભાષાના પ્રખર વિદ્વાન છે.
વડતાલમાં પોષ વદ એકાદશી નિમિત્તે મંગળા આરતી બાદ સરધાર સ્વામીનારાયણ મંદિરના ૫૫ પાર્ષદ દીક્ષા માટે પૂજા વિધિમાં બેઠા હતાં. આ દીક્ષા સમારોહમાં નિત્યસ્વરૂપ સ્વામી સહિત ચેરમેન દેવ પ્રકાશ સ્વામી, કોઠારી ઘનશ્યામ સ્વામી સહિત મોટી સંખ્યામાં સંત, મહંતો તથા હરિભક્તો હાજર રહ્યા હતા. પૂજા વિધિ બાદ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે પાર્ષદોને યજ્ઞોપવિત, કંઠી પહેરાવી કાનમાં ગુરુમંત્ર આપી નવું નામ ધારણ કરાવ્યું હતું.
૨૦ વર્ષથી દીક્ષા સમારોહની રાહ
ઘણા પાર્ષદો ૨૦ વર્ષથી દીક્ષાની રાહ જોઇ રહ્યા હતા. જોકે તેઓ વડતાલ લક્ષ્મીનારાયણ દેવની છત્રછાયા હેઠળ આચાર્ય રાકેશપ્રસાદ મહારાજના હસ્તે દીક્ષા લઇ સંત બન્યા છે. સામાન્ય રીતે ચૈત્રી પૂનમ કે કાર્તિક પૂનમે દીક્ષા ગ્રહણના કાર્યક્રમનું આયોજન થાય છે, પરંતુ એકાદશીએ દીક્ષા ગ્રહણ સમારોહ ઘણી ઓછી વાર યોજવામાં આવે છે.