નડિયાદઃ વડતાલ સ્વામીનારાયણમાં આચાર્ય અજેન્દ્ર પ્રસાદને પદભ્રષ્ટ કર્યા બાદ બે ભાગ પડ્યા છે. દેવપક્ષ અને આચાર્યપક્ષ વચ્ચે ૧૭ વર્ષથી કાનૂની જંગ છે. વર્ષો સુધી દેવ પક્ષ અને આચાર્ય પક્ષમાં વહેંચાયેલા વહીવટને લઈને લાંબા વખતથી મતભેદ છે. જન્માષ્ટમીના દિવસે કુંડળ ખાતે જ્ઞાનજીવન સ્વામીએ દેવ પક્ષ અને આચાર્ય પક્ષને એક કરવાનું બીડું ઝડપ્યાનો વીડિયો જારી થયા બાદ હરિભક્તોમાં ચર્ચાએ જોર પકડ્યું છે કે ખરેખરમાં આમાં હકીકત શું છે? જેમાં બન્નેની વાતોનો સૂર હકારાત્મક હતો. આચાર્ય રાકેશપ્રસાદજીની નિશ્રામાં દેવપક્ષ અને અજેન્દ્ર પ્રસાદની નિશ્રામાં આચાર્ય પક્ષ વચ્ચે આગામી દિવસોમાં બેઠક યોજાય તેવી સંભાવના છે.
વડતાલધામમાં આચાર્યપક્ષ અને દેવપક્ષ એક થાય તે માટે હરિભક્તોને પણ પ્રાર્થના કરવા મેસેજ ફરતાં થયાં છે. જેમાં ભજન કરો, સોનાની પળ આવી ચૂકી છે. બધા જ હરિભક્તોને હાથ જોડીને નમ્ર વિનંતી. જૂના વાળા હોય કે નવા વાળા બધું જ ભૂલીને માત્રને માત્ર બધા એક થઈ અને સંપ્રદાયની એકતા જળવાઈ રહે તેવી શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના સાથે નિયમ લઈએ કે આ સમાધાન જલ્દી ને જલ્દી થાય.