વડોદરાઃ જગમાલની પોળમાં રહેતાં ૩૭ વર્ષના શકુંતલા શાહ મહાકાય શરીર, બીમારીઓ અને પીડાઓ સામે ૧૪ વર્ષ સુધી જંગ ખેલ્યા બાદ માનસિક રીતે પડી ભાંગ્યા છે અને વડા પ્રધાનને પત્ર લખી ઇચ્છામૃત્યુની માગ કરી છે. શકુંતલા બહેને કહ્યું હતું કે, વર્ષ ૨૦૦૦માં મારા લગ્ન થયા ત્યારે મારું વજન ૬૫ કિલો હતું. ૨૦૦૨માં બાબાનો જન્મ થયો તે પછી શારીરિક સમસ્યાઓ શરૂ થઇ. એક પગમાં નાનપણથી જ પોલીયો હતો એટલે હલન ચલન ઓછું હતું અને ડિલિવરી પછી વજન વધવા લાગ્યું ને પછી વજન વધતું જ ગયું.
છેલ્લા કેટલાય મહિનાઓથી વજન માપ્યું જ નથી પણ લાગે છે કે ૧૬૦થી ૧૭૫ કિલો હશે. હું ઘરની બહાર જ નીકળી શક્તી નથી. તેમ છતાં સારવાર કરાવવા મેં સરકારી હોસ્પિટલના ધક્કા ખાધા છે. સરકારી હોસ્પિટલો કહે છે કે અમારે ત્યાં તમારા શરીરનો વજન ઉતારવાની કોઇ સારવાર નથી. વજન ઉતરે તો જ તમારા પગના ઘૂંટણનું ઓપરેશન થાય. ખાનગી હોસ્પિટલોમાં પૂછપરછ કરી તો ત્યાં રૂ. બે લાખથી પાંચ લાખનો ખર્ચો બતાવે છે.
અમે દશ બાય દશની રૂમમાં રહીએ છીએ. ૧૩ વર્ષનો દીકરો છે, મારા હસબન્ડને પણ પોલીયો છે તે એક જ્વેલર્સને ત્યાં નોકરી કરે છે મહિને રૂ. ૯૦૦૦નો પગાર મળે છે.
હસબન્ડને પણ ટી.બી. છે. આવક નથી અને દવાઓ પાછળ જે આવે છે તે પણ વપરાઈ જાય છે તેવામાં હું મારી સારવારના રૂ. ૫ લાખ ક્યાંથી કાઢું એટલે મેં વડા પ્રધાનને પત્ર લખીને ઇચ્છામૃત્યુની માગ કરી છે.