નવસારીઃ નવસારી જિલ્લામાંથી પસાર થનારા વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઇવે માટે ખેડૂતોની જમનીની કિંમત વર્ષ ૨૦૧૧ની જંત્રી મુજબ ચૂકવવાના આદેશ સરકારે આપતાં હોબાળો મચી ગયો છે. રૂ. ૫૦થી ૭૦ લાખ વિઘાના બદલે માત્ર રૂ. ૧૨ લાખ ચૂકવવાનો ઓર્ડર મળતાં ખેડૂતોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.
આઠ વર્ષ અગાઉ વડોદરા - મુંબઈ વચ્ચે સરકારે એક્સપ્રેસ હાઈવે બનાવવા માટેની જાહેરાત કરી હતી. આ માટે વર્તમાન હાઇવેની બાજુમાં આવેલી જમીનોને સંપાદન કરવાની આવશ્યતા હોવાથી તેના માટે સરકારે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં જમીનની કિંમત બાબતે રાબેતા મુજબના વિવાદોની જેમ જ આ બાબતે દરેક જગ્યાએ જમીન સંપાદન અંગે વિરોધ થતો રહ્યો હતો. આ અંગે કાનૂની સંઘર્ષ પણ ચાલ્યો હતો. દેશની જે તે હાઇ કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી આ મામલો પહોંચ્યો હતો. ખેતીલાયક જમીનની બજાર કિંમતની માગણી સામે સરકાર જંત્રી કિંમત ચૂકવવા પર અટકી ગઈ હતી. હવે અઢી મહિના બાદ લોકડાઉન ખોલવામાં આવતા સરકારે વડોદરા - મુંબઈ વચ્ચે બનનારા એક્સપ્રેસ વે માટે નવસારી જિલ્લાના ખેડૂતોને નોટિસ પાઠવી છે અને તેમાં તેમની જમીનનો કબજો ૬૦ દિવસમાં વડોદરા - મુંબઈ એક્સપ્રેસ વે ઓથોરિટીને સુપ્રત કરવા જણાવ્યું હતું.