વડોદરાઃ દેશમાં કોચી એરપોર્ટ સંપર્ણ રીતે સોલાર પાવરથી સંચાલિત છે. જ્યારે વોટર અને વેસ્ટ મેનેજમેન્ટ તથા વોઇસ પોલ્યુશન કંટ્રોલની દૃષ્ટીએ ચંદીગઢ એરપોર્ટનો દેશમાં ગ્રીન એરપોર્ટ તરીકે બીજા નંબરે સમાવેશ થાય છે. ત્યારે દેશનું ત્રીજુ ગ્રીન એરપોર્ટ પણ તૈયાર થવાના આખરી તબક્કામાં છે અને તે એરપોર્ટ છે વડોદરાનું ઇન્ટરનેશનલ એરપોર્ટ. ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા પ્રસિદ્ધ અહેવાલ મુજબ પ્રતિવર્ષ દુનિયાભરના એરપોર્ટમાંથી ૩૫ મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થઇ રહ્યું છે (આ આંકડો ૨૦૧૩ના રિસર્ચ આધારિત છે). જે સમગ્ર એવિએશન સેક્ટર દ્વારા ઉત્સર્જન થતાં કાર્બન ડાયોક્સાઇડના ૫ ટકા છે જ્યારે ભારતના એરપોર્ટ પ્રતિ વર્ષ ૦.૭૮ મિલિયન ટન ડાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે. આખું વિશ્વ કાર્બન ડાયોક્સાઇડના વધતા પ્રમાણ અંગે ચિંતિત છે ત્યારે વડોદરામાં આ દિશામાં સકારાત્મક પગલાં શરૂ થઈ ચૂક્યાં છે અને એરપોર્ટને ગ્રીન એરપોર્ટ બનાવવાની દિશામાં કામ થઈ રહ્યું છે.