વડોદરા: તમે ક્યારેય જોયું કે સાંભળ્યું છે કે, તળાવનું પાણી પણ કાચિંડાની જેમ રંગ બદલી શકે છે? આ સવાલ જરૂરથી તમને નવાઈ લાગશે પણ હકીકત એ છે કે, વડોદરા નજીકના ભાયલીમાં આવેલા એક નાનકડા તળાવના પાણીનો રંગ દિવસમાં બે વખત આપોઆપ બદલાય છે. અને આ માત્ર દૃષ્ટિભ્રમ છે એવું પણ નથી.
સવારે સૂર્યોદય થતાંની સાથે જ તળાવના પાણીનો રંગ ધીરે ધીરે લાલ રંગનો થવા માંડે છે. બપોર સુધીમાં તો આખેઆખું તળાવ લાલચટ્ટાક બની જાય છે. સૂર્યાસ્ત પછી પાણીનો રંગ પાછો બદલાઈને પારદર્શક બની જાય છે. રંગ બદલતા આ તળાવે સમગ્ર રાજ્યમાં ભારે કુતૂહલ સર્જયું છે.
ભાયલીના ટીપી-૨ વિસ્તારમાં આવેલા શિનો પેલેડિયમ એપાર્ટમેન્ટમાં રહેતા યુનિવર્સિટીના પ્રોફેસર ડો. અમોલ રણદીવે એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ટીપી-૨માં આવેલા કોર્પોરેશનના બગીચાની બાજુના એક નાનકડા તળાવનું પાણી દિવસમાં બે વખત રંગ બદલી રહ્યું છે. સૂર્યોદય થતાંની સાથે જ તળાવના પાણીનો રંગ બદલાવા માંડે છે અને બપોર સુધીમાં તો આખુ તળાવ લાલ રંગનું બની જાય છે.
આ પછી સૂર્યાસ્તની સાથે પાણીનો રંગ બદલાવાની પ્રક્રિયા તેજ બને છે ને અંધારુ થતાંની સાથે જ તળાવનું પાણી પાછું પારદર્શક બની જાય છે. પાણીની રંગ બદલવાની પ્રક્રિયા છેલ્લા ૧૦થી ૧૨ દિવસથી જોવા મળી રહી છે. રંગ બદલતા તળાવને કારણે સમગ્રવિસ્તારમાં ભારે કૂતુહલ સર્જાયું છે. આ તળાવ ભલે નાનું હોય પરંતુ, તેના કિનારે ઘણી વખત વિદેશી પક્ષીઓ જોવા મળે છે.
ડો. રણદીવે કહે છે કે, તળાવમાં ખાસ પ્રકારની લીલ હોય તો તેના લીધે તળાવના પાણીનો રંગ બદલાતો હોય તેવું બની શકે છે. આ વિશિષ્ટ પ્રકારની લીલ સૂર્યના કિરણો પડતાંની સાથે જ એક્ટિવેટ થતી હોય છે અને અંધારુ થાય પછી આપોઆપ પોતાનો રંગ છોડી દેતી હોય છે.
જોકે, આ તળાવના પાણીનો રંગ બદલાવાનું સાચું કારણ તપાસનો વિષય છે. પાણીનો રંગ બદલાવાની પ્રક્રિયા અંગે એમ. એસ. યુનિવર્સિટીના એન્વાર્યન્મેન્ટ સાયન્સના ડો. કૌરેશ વચ્છરાજાની કહે છે, ‘માઈક્રોસ્કોપથી જોઈ શકાય તેવા અત્યંત સુક્ષ્મ જીવોનું પ્રમાણ પાણીમાં વધી જાય તો તેને લીધે પણ તળાવના પાણીનો રંગ બદલાઈ શકે છે.’
તેઓ કહે છે કે ફાઈટોપ્લેન્ક્ટોન અને ઝૂપ્લેન્ક્ટોન જેવા સુક્ષ્મ જીવો અને વનસ્પતિનો રંગ સૂર્યપ્રકાશ આધારિત હોય છે. આ તળાવમાં આવા સુક્ષ્મ જીવોનું પ્રમાણ વધ્યું હોય તો તેનાથી પાણીનો રંગ બદલાઈ શકે છે. અલબત્ત, તળાવના પાણીનું માઈક્રોસ્કોપિક એનાલિસીસ કર્યા પછી જ તેનો રંગ બદલાવાનું સાચું કારણ જાણી શકાય તેમ છે.