વડોદરાઃ સંસ્કારનગરીના વિખ્યાત પેઇન્ટર પદ્મશ્રી ભૂપેન ખખ્ખરનું એક પેઈન્ટિંગ મુંબઈમાં યોજાયેલા ઓક્શનમાં રૂ. 14.4 કરોડમાં વેચાયું છે. ભૂપેન ખખ્ખરે જે તે સમયે આ પેઈન્ટિંગ વડોદરાના એક આર્કિટેક્ટને જન્મદિવસ ભેટ તરીકે આપ્યું હતું. આ પેઈન્ટિંગ 1996થી આર્કિટેક્ટ પાસે હતું અને તાજેતરમાં જ તેમના પુત્રે આ પેઇન્ટિંગ હરાજી માટે ઓક્શન હાઉસને આપ્યું હતું. કેનવાસ પરના ઓઈલ પેઈન્ટિંગમાં ભૂપેન ખખ્ખરે ચાંપાનેરની ઐતહાસિક વિરાસત દર્શાવી છે. ચાંપાનેરને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરાઇ ેતે અરસામાં જ ભૂપેન ખખ્ખરે આ પેઈન્ટિંગ બનાવ્યું હોવાનું મનાય છે. ઓક્શન હાઉસ દ્વારા આ કલાકૃતિની બેઝ પ્રાઈઝ છથી આઠ કરોડ રૂપિયા રખાઇ હતી, પણ તે 14.4 કરોડ રૂપિયામાં વેચાયું હતું. ઉલ્લેખનીય છે કે ભૂપેન ખખ્ખરે પેઈન્ટિંગ માટે ક્યારેય કોઈની પાસે તાલીમ લીધી નહોતી. 1962માં તેઓ મુંબઈથી વડોદરા આવી ગયા હતા અને પછી આજીવન વડોદરામાં જ રહ્યા હતા. એમ.એસ. યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીની તેઓ વારંવાર મુલાકાત લેતા હતા. તેમણે મોટા ભાગના પેઈન્ટિંગ્સમાં આમ આદમીના સંઘર્ષને દર્શાવ્યો હતો. 1984માં ભૂપેન ખખ્ખરને પદ્મશ્રી એનાયત કરાયો હતો અને 2000માં તેમને નેધરલેન્ડના પ્રતિષ્ઠિત પ્રિન્સ ક્લાઉસ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. 2003માં 69 વર્ષની વયે તેમણે વડોદરામાં અંતિમ શ્વાસ લીધા હતા. આ પહેલા ઈન્ટરનેશનલ ઓક્શન હાઉસના એક ઓક્શનમાં તેમનું ‘બનિયન ટ્રી’ નામનું પેઈન્ટિંગ 18.81 કરોડ રૂપિયામાં વેચાયું હતું.