વડોદરાઃ તરસાલી શરદનગરમાં રહેતા તાંત્રિકે જુદી–જુદી વિધિના બહાને અમદાવાદ, વડોદરા, સુરત અને ભાવનગરના અનેક પરિવારોને પોતાની જાળમાં ફસાવીને કરોડો રૂપિયાની લૂંટ સાથે કેટલીક યુવતીઓ - મહિલાઓ સાથે દુષ્કર્મની ફરિયાદ થઈ છે. આ ઘટનાની તપાસમાં વડોદરાની એક પરણિતા તાંત્રિકના દુષ્કર્મનો શિકાર બનવા સાથે તેની સાથે રૂ. ૩૧ લાખની ઠગાઈ કરતાં ભાવનગર પોલીસે ફરિયાદના આધારે તાંત્રિકની ધરપકડ કરી છે. પોલીસે કોર્ટમાંથી પાંચ દિવસના રિમાન્ડ પણ મેળવ્યાં છે. આ તાંત્રિક વડોદરાના બિલ ખાતે આસારામના આશ્રમમાં પણ વિધિ કરવા જતો હોવાનું ખૂલ્યું છે. હિરેન નરેન્દ્ર પુરોહિત નામના આ પાખંડી પંડિતે લગ્ન ન થતાં હોય, ધંધામાં નુકસાન, પરિવાર વચ્ચેનો વિવાદ, પ્રોપર્ટી વિવાદ, પતિ કે પત્નીના અનૈતિક સબંધો, પુત્રની પ્રાપ્તિ થતી ન હોય તેવા લોકોને વિધિથી કામ કરી આપવાનું કહી ફસાવ્યા હતા. હિરેન આસારામના બિલ ખાતેના આશ્રમમાં વિધિ કરવા જતો હોવાથી તાંત્રિક વિધિનો ભય બતાવી લોકો પાસેથી પૈસા અને સોનું કેવી રીતે પડાવવું તેની માસ્ટરી આવી ગઈ હતી.
આ પાખંડી તેનો સંપર્ક કરનાર પરિવારની સુંદર યુવતીને જોઈ તેના પર દાનત બગાડતો હતો. યુવતીને પોતાની જાળમાં ફસાવવા તેના પરિવારને માનસિક રીતે તોડી નાંખતો હતો. ત્યારબાદ હિરેન પરિવારના સભ્યો વચ્ચે જ કોઈને કોઈ બાબતે ઝઘડા કરાવી તેમને વિખૂટા પાડી દેતો હતો. તે પછી બ્લેકમેઈલ કરીને રૂપિયાની સાથે દાગીના પણ પડાવી લેતો હતો.
આવી જ રીતે તેણે સુરતના એક બિલ્ડર પરિવાર પાસેથી લાખો રૂપિયા પડાવી લઈ તેમની ૧૮ વર્ષીય પુત્રીને જાળમાં ફસાવી તેની સાથે લગ્ન પણ કરી લીધાં હતાં. પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે હિરેને અત્યાર સુધીમાં જુદા – જુદા શહેરની ૧૫થી ૨૦ છોકરીઓને શિકાર બનાવી છે. તેણે કેટલીક છોકરીઓ સાથે ઓરલ તથા વિકૃત જાતીય સંબંધો બાંધ્યા છે અને મોબાઈલ ફોનમાં વીડિયો ઉતારીને યુવતીઓને તે બ્લેકમેઈલ પણ કરતો હતો. બિલ્ડરના પરિવારને હિરેનની હેવાનિયતની જાણ થતાં જ તેમણે થોડા સમય પહેલા જ પાખંડીની ચુંગલમાંથી પુત્રીને છોડાવી લીધી હતી.