વડોદરાઃ વડોદરાના યુવાન ઉર્વીશ પટેલના ઉપરના જડબામાં ત્રીજા નંબરનો રાક્ષસી દાંત કાઢી નાંખવાની સર્જરી તાજેતરમાં કરવામાં આવી છે. આ દાંતની લંબાઇ વધુ હોવાથી તેની સર્જરી માટે ઉર્વીશ પટેલે ડો. જૈમિન પટેલનો સંપર્ક કર્યો હતો. ડો. જૈમિને તથા તેમના આસિસ્ટન્ટ ડો. અંકિતા ટંડેલે આ યુવાનના દાંતની સર્જરી કરી અડધો કલાકમાં દાંતને બહાર કાઢયો હતો. દાંતની લંબાઇ જોઇને ડોકટર પણ અચંબામાં મુકાઇ ગયા હતા. સામાન્ય રીતે દરેક વ્યકિતના દાંતની લંબાઇ ૨ સેમી જેટલી હોય છે. જેની સામે આ યુવાનના દાંતની લંબાઇ ૩.૮ સેમી હતી.
ડો. જૈમિને ઇન્ટરનેટ પર તપાસ કરતાં તેમને ખબર પડી કે, વર્ષ ૨૦૦૯માં સિંગાપોરમાં એક વ્યકિતની સર્જરી દરમિયાન કાઢવામાં આવેલા દાંતની લંબાઇ ૩.૨ સેમી હતી. જે વર્લ્ડરેકોર્ડ હતો. જેની સામે વડોદરાના યુવાનના દાંતની લંબાઇ ૩.૮ સેમી છે. જોકે કોઇપણ જાતની તકલીફ વગર પાર પડેલી ઉર્વીશની સર્જરી અને તેના દાંતનો રેકોર્ડ ગિનિસ બુકમાં સ્થાન પામે તેવો છે અને આ અંગે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમનો સંપર્ક પણ કરીશું.