સ્વ. રણજિતસિંહના બહેન અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ચાન્સેલર ડો. મૃણાલિનીદેવી પુઆર મધ્યપ્રદેશનાં ધાર રજવાડાંના મહારાણી હતાં. તાજેતરમાં તેમના નિધન પછી મહારાણીના અસ્થિકળશ ત્યાં રજૂ કરી હેમેન્દ્રસિંહ પુઆરનું રાજતિલક કરવાના કાર્યક્રમ યોજાયા હતા. પણ, વડોદરાથી આવો કોઇ અસ્થિકળશ ધાર મોકલાયો જ નહીં હોવાનો દાવો થયો છે. વધુમાં, સ્વ. મૃણાલિનીદેવી તેમની ધારની સંપત્તિનું વસિયતનામું કરી ચૂકયાં છે અને તેમના વસિયતનામાં પ્રમાણે તેમની સંપત્તિના વારસદાર મહારાજા સમરજીત હોવાની ચર્ચાઓ વચ્ચે વડોદરાના રાજવી પરિવારના સભ્યો ધાર દોડી જતાં અનેક તર્કવિતર્ક સર્જાયા છે.
સ્વ. મૃણાલિનીદેવી પુઆરના નિધન બાદ ધાર સ્ટેટના દીવાન સંગ્રામસિંહ રાજે પુઆર, વિશ્વદીપ પુઆર અને પૃથ્વીરાજ પુઆર વડોદરા આવ્યા હતા. સંગ્રામસિંહ રાજે પુઆરે તે સમયે મીડિયા સાથેની વાતચીતમાં વડોદરામાં જણાવ્યું હતું કે, ‘ધારની બાકીની મિલકતોનું સ્વ. ડો. મૃણાલિની દેવી પુઆરની મરજી મુજબ એક ટ્રસ્ટ રચાય તેવી અમારી ઇચ્છા છે. જેથી આ ટ્રસ્ટ દ્વારા ધારના રોયલ પુઆર ફેમિલીની ઓળખ સમાન મિલકતોનું સંરક્ષણ કરી શકાય.’