વડોદરાઃ દક્ષિણ આફ્રિકામાં યોજાતી કોમરેડ અલ્ટ્રા મેરેથોન દોડ વિશ્વની સૌથી કઠીન મેરેથોન પૈકીની એક કહેવાય છે. જેમાં સ્પર્ધકોએ ખરબચડા રસ્તાઓ પર ૧૨ કલાકમાં ૮૭.૭ કિ.મી.નું અંતર દોડીને કાપવાનું હોય છે. વડોદરાનાં ૪૩ વર્ષીય મહિલા વંદના પારેખે આ સ્પર્ધામાં ભાગ લઈને ૧૦ કલાક અને ૪૬ મિનિટમાં દોડ પૂર્ણ કરીને ઈતિહાસ સર્જયો હતો. તેઓ આ કઠીન મેરેથોનમાં ભાગ લેનાર વડોદરાના જ નહીં પણ ગુજરાતનાં કદાચ પ્રથમ સ્પર્ધક છે. તેમને આ સિદ્ધિ બદલ બ્રોન્ઝ મેડળ મળ્યો છે.
૩૧ મેએ ડર્બનથી પિટર મેરિત્ઝબર્ગ વચ્ચે 87.7 કિમીની કોમરેડ્સ અલ્ટ્રામેરેથોનમાં ૬૦ દેશોના ૨૪ હજાર દોડવીરોએ ભાગ લીધો હતો. વંદના પારેખે માત્ર છ વર્ષ અગાઉ જ દોડવાનું શરૂ કર્યું હતું. તેઓ બરોડા રોડ રનર્સ ગ્રૂપના સક્રિય સભ્ય છે. તેઓ છેલ્લા પાંચેક વર્ષથી વહેલી પ્રેક્ટિસ કરે છે. તેમણે સ્પર્ધાની ૪૦-૪૯ વર્ષના એજ ગ્રૂપમાં ભાગ લીધો હતો. આ વિશે વડોદરા રોડ રનર્સ ક્લબના સમીર ગાયકવાડે જણાવ્યું કે, ‘વંદનાબહેને છેલ્લા ચાર મહિનામાં ૧૨૦૦ કિ.મી. દોડવાની પ્રેક્ટિસ કરી હતી. આ ઉપરાંત સતત નિષ્ઠાપૂર્વકની મહેનતને કારણે તેઓ આ સિદ્ધિ મેળવી શક્યા છે.’
આ સફળતા બદલ વંદના પારેખે જણાવ્યું કે, ‘દોડમાં ૫૭ કિ.મી. પછી મારે સ્પોર્ટસ ફિઝિયોની મદદ લેવી પડી હતી. કારણ કે કાફ મસલ્સ ખેંચાઇ જતાં દોડવાની મારી ઝડપ ઘટી ગિ હતી. ૭૦ કિ.મી. પછી તો જાણે મન અને શરીર વચ્ચે યુદ્ધ જ હતું. જોકે ફિનિશ લાઇન પર પહોંચ્યાનો આનંદ અનોખો હતો.’ આ દોડ સ્પર્ધાનું આયોજન સાઉથ આફ્રિકાના ક્વાઝુલુ-નાતાલ પ્રાંતમાં થાય છે. આ રન માટે સ્પર્ધકોએ ડર્બન અને પિટરમેરિત્સબર્ગ શહેરોની વચ્ચે દોડવાનું હોય છે. આ સ્પર્ધા એકવાર ડર્બનથી શરૂ થાય છે, જેને ‘અપ’ રન કહેવાય છે. જેનું અંતર જ્યારે બીજા વર્ષે પિટર મેરિત્સબર્ગથી યોજાય છે, જેને ‘ડાઉન’રન કહેવાય છે. આ વર્ષે ‘અપ’ રન યોજાઇ હતી. જેનું અંતર ૮૯ કિ.મી. હોય છે.