વડોદરાની કિશોરીનું અમેરિકામાં સાહસિક કાર્ય

Wednesday 08th April 2015 08:43 EDT
 

વડોદરાઃ અમેરિકાના મેસેચુસેટ્સ સ્ટેટના લોવેલસિટીના વાયએમસીએ કલબ ખાતે એક દુર્ઘટના સર્જાતા રહી ગઇ અને એક વ્યક્તિનો જીવ બચી ગયો હતો. આ જીવ બચાવવામાં મૂળ વડોદરાની કિશોરીનું મોટું પ્રદાન છે. વડોદરાની વતની ૧૭ વર્ષીય જ્હાનવી પટેલે સ્વિમિંગપુલમાં ન્હાવા પડેલા ૨૬ વર્ષીય યુવકને ઘડીના છઠ્ઠા ભાગમાં જ બચાવી લીધો હતો અને તેની આ સિદ્ધિ બદલ લોવેલ સિટીના મેયર ૧૫ એપ્રિલે તેનું સન્માન કરશે.

શહેરના માંજલપુરની કસ્તુરીનગરમાં રહેતા કાંતાબહેન અને મહેન્દ્રભાઈ પટેલની પૌત્રી જ્હાનવી છેલ્લાં દસ વર્ષથી અમેરિકામાં સ્થાયી થઇ છે. તે સ્થાનિક વાયએમસીએ કલબમાં પાર્ટ ટાઇમ લાઇફગાર્ડ તરીકે ફરજ બજાવે છે. આ ઘટના બની ત્યારે જ્હાનવી સ્વિમિંગપુલ પાસે બેઠી હતી ત્યારે ૨૫૦ પાઉન્ડ વજનનો ૨૬ વર્ષીય યુવક સ્વિમિંગ કરવા કુદ્યો હતો પણ બે સેકન્ડમાં તે પાણીમાં ગરકાવ થયો હતો. જ્હાનવીને તેનો તરત જ અંદેશો આવતાં તે તરત જ વ્હિસલ વગાડીને સ્વિમિંગપૂલમાં કુદી હતી. જ્હાનવીએ પૂલના નીચેના ભાગમાં સ્વિમરને બેભાન હાલતમાં જોયો હતો અને તરત જ તેણે કિક મારી અને યુવક પાણી ઉપર લઈ જવાના પ્રયાસમાં સફળ થઈ હતી.

પૂલમાંથી બહાર લાવ્યા બાદ તેને અન્ય લાઇફગાર્ડ તેમ જ સહયોગીની મદદથી જીવનદાન આપવાનો પ્રયાસ કરીને હોસ્પિટલમાં લઈ જવાયો, જ્યાં તેને નવું જીવન મળ્યું હતું. આ અંગે જ્હાનવી કહે છે, આ તો મારી માત્ર ફરજ હતી અને મારા માટે પ્રથમ રેસક્યૂ હતું. જોકે, આ ઘટના પછી હું જ્યારે ઘરે આવી ત્યારે પાર્કિંગમાં જઈને હું ખૂબ જ રડી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter