વડોદરાઃ શહેરની પ્રતિષ્ઠિત એમ. એસ. યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરતી ભાવિતા લાલવાણીની પસંદગી ગૂગલના એન્ડ્રોઈડ પ્લેટફોર્મ માટે ૧૨ પ્રાદેશિક ભાષાના કી-બોર્ડ ડેવલપ કરવા માટે થઈ છે. ભારતમાં સ્માર્ટફોન વપરાશકર્તાઓની સંખ્યા કરોડોની છે, પણ સૌથી મોટી સમસ્યા તેમાં પ્રાદેશિક ભાષાના ઉપયોગની છે. મોબાઈલ કંપનીઓ હવે પ્રાદેશિક ભાષાઓનો ઉપયોગ થઇ શકે તેવા ફોન બનાવી રહી છે, પરંતુ એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર ગૂગલ જે તે ભાષાનું જ કી-બોર્ડ ખાસ ભારત માટે ડેવલપ કરવા માગે છે.
લગભગ એકાદ વર્ષ પહેલાં ગૂગલ સાથે સંકળાયેલી આઈટી કંપનીએ સમર કોડ સ્પર્ધાના ભાગરૂપે દેશભરના આઈટી વિદ્યાર્થીઓ પાસેથી વિવિધ પ્રસ્તાવો મંગાવ્યા હતા. જેમાં એમ. એસ. યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીની કોમ્પ્યુટર સાયન્સની વિદ્યાર્થિની ભાવિતા લાલવાણીએ પ્રાદેશિષ ભાષાનું કી-બોર્ડ બનાવવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. આ પ્રસ્તાવ ગૂગલને પસંદ આવ્યો હતો. આથી ભાવિતાનો પ્રસ્તાવ મંજૂર કરતા પહેલાં તેનો ઈન્ટરવ્યુ લઇને તે કી-બોર્ડ કેવી રીતે ડેવલપ કરશે તેની જાણકારી મેળવાઇ હતી.
ભાવિતા કહે છે કે તેમને મારો પ્રસ્તાવ ગમ્યો છે. મે મહિનાના અંતમાં હું આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરીશ. આ પ્રોજેક્ટ માટે ગૂગલે મને ૬૦૦૦ ડોલરની સ્કોલરશિપ આપી છે. ૩ મહિનાના પ્રોજેક્ટમાં બે મહિના હું ગુગલની બેંગ્લોરસ્થિત ઓફિસમાં કામ કરીશ. ૧૨ પ્રાદેશિક ભાષાઓમાં મારે કી-બોર્ડ ડેવલપ કરવાનું છે. જેમાં હિન્દી, ગુજરાતી, આસામી, બંગાળી, તામિલ, કન્નડ, મરાઠી અને પંજાબીનો સમાવેશ થાય છે. જ્યારે બાકીની ચાર ભાષા કઈ હશે તેની જાણકારી મને મળવાની બાકી છે.
ભાવિતા વડોદરામાં જ જન્મીને મોટી થઈ છે. તે કહે છે કે ટેકનોલોજી સાથે સંકળાયેલી કોઈ પણ બાબત મને આકર્ષે છે. જેના કારણે મેં કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવાનો નિર્ણય લીધો હતો. તેણે હાલમાં જ બીઈના અંતિમ વર્ષની પરીક્ષા આપી છે.