વડોદરા: વાઘોડિયા રોડ પર આવેલી પિતાંબર ટાઉનશિપમાં રહેતા વિનુભાઇ લીંબાચિયા અને ધર્મિષ્ઠાબહેનનો એકનો એક પુત્ર હેમિન (ઉં.વ.૨૬) વડોદરામાં ગ્રેજ્યુએટ થયા બાદ ન્યૂ ઝીલેન્ડમાં ઉચ્ચ શિક્ષણ મેળવીને સ્થાયી હતો. ચોથી ડિસેમ્બરે હેમિનના લગ્ન વડોદરાની જ અને છેલ્લા દોઢ વર્ષથી ન્યૂ ઝીલેન્ડમાં જ રહેતી તેની પ્રેમિકા તનવી સાથે થયા હતા. આ નવદંપતી ૧૪મી જાન્યુઆરીએ ન્યૂઝીલેન્ડમાં નેશનલ ડે હોવાથી વાઇમારામાં બીચ પર ફરવા ગયું હતું. તેમની સાથે અન્ય મિત્ર પણ હતા.
નવદંપતી દરિયાની મજા લેતું હતું ત્યારે એકાએક વિકરાળ મોજું આવતાં બંને દરિયામાં તણાઈ ગયા હતા. દરિયાકિનારાના સર્ફ ક્લબના સ્વયંસેવકો ઉપરાંત તંત્રની બચાવ ટુકડીએ હેલિકોપ્ટરની મદદથી બંનેને રેસ્ક્યુ કર્યાં અને બંનેને પ્રાથમિક સારવાર અપાઈ, પણ હેમિનનું મૃત્યુ થયું હતું. દરિયાકિનારે જ તેનું મૃત્યુ થયાનું મોડિકલ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું જ્યારે તનવીની પ્રાથમિક સારવાર ન્યૂ ઝીલેન્ડની હોસ્પિટલમાં કરવામાં આવતાં તેની તબિયત હાલમાં ઠીક હોવાનું જણાવાયું છે.