વડોદરા: ભારતીય લશ્કરમાં વડોદરાનો યુવાન મહંમદ આરીફ અખનૂર સરહદે દુશ્મનો સામે લડતાં શહીદ થયો છે. મહંમદ આરિફ કાશ્મીરમાં ૧૮ રાઇફલ્સમાં તે ફરજ બજાવતો હતો. મૂળે નવાયાર્ડમાં રહેતા શફી આલમ પઠાણ રેલવેમાં ખલાસી તરીકે ફરજ બજાવે છે. તેમનો ૨૩ વર્ષીય પુત્ર મહંમદ આરિફ પઠાણ ચાર વર્ષ અગાઉ લશ્કરમાં પસંદગી પામ્યા બાદ જબલપુર ટ્રેનિંગ માટે ગયો હતો અને છેલ્લા સાડા ત્રણ વર્ષથી ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતાં કાશ્મીર સરહદે હતો. સોમવારે પાકિસ્તાન સાથેના ક્રોસ ફાયરિંગમાં તે શહીદ થયો હતો. સોમવારે સવારે સાડા આઠ વાગ્યે તેના પરિવારને રેજિમેન્ટ દ્વારા સરહદે મહંમદ આરિફના ફાયરિંગમાં ઘાયલ થયાની અને પછી શહીદ થયાની જાણ કરાઈ હતી.
મહંમદ આરિફની શહીદીના સમાચાર સાંભળીને તેમના ઘરમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું હતું શહીદના નિવાસસ્થાને કુટુંબીજનો, મિત્રો તથા પરિચિતોની ભીડ થઈ હતી. મહંમદ આરિફે પોતાની શહીદીના સાડા આઠ કલાક અગાઉ સુમારે સાડા નવ વાગ્યે પોતાના પરિવારજનો સાથે વોટ્સઅપ વીડિયો કોલ પર વાતચીત કરી હતી. તેના નાનાભાઈ આસિફ પઠાણે કહ્યું હતંું કે, તે પરિવાર માટે મોટો સહારો હતો.