વડોદરા: ઘડિયાળી પોળ અને કરોળિયા પોળના જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ અને બુલિયન વેપારી કનુભાઈ સોનીએ લોકડાઉનને કારણે સોના-ચાંદીના વેપારમાં મંદી આવી જતાં શાકભાજીનો ધંધો શરૂ કરી દીધો છે. જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે છેલ્લા દોઢેક મહિનાથી જ્વેલર્સ માર્કેટ બંધ છે. આગામી એકાદ વર્ષ સુધી આ ધંધામાં તેજી આવે તેવી કોઈ શક્યતા દેખાતી નથી.
જેને કારણે જ્વેલર્સે નવા ધંધામાં ઝંપલાવવું પડે તેવો ઘાટ સર્જાયો છે. હાલમાં સસ્તા, તાજા અને સેનેટાઈઝ કરેલા શાકભાજીની ખૂબ ડિમાન્ડ છે.
હું બુલિયનનો વેપારી છું, પરંતુ મારા ધંધામાં મંદી આવી જતા મેં શાકભાજીનો ધંધો કરવાનો વિચાર કર્યો હતો. એપીએમસી માર્કેટના દલાલો મારફતે મેં નવા ધંધાના શ્રીગણેશ કર્યા હતા. એપીએમસી માર્કેટમાંથી ૪૦૦ કિલોગ્રામ શાકભાજીની ખરીદી કરી અને પડતર કિંમતે તેનું વેચાણ કરી નવા બિઝનેસના શ્રીગણેશ કર્યાં હતાં. નવા ધંધાના પ્રથમ દિવસે એક જ દિવસમાં મારો બધો માલ વેચાઈ ગયો હતો. મેં સોસાયટીમાં જ શાકભાજી વેચ્યાં હતાં. હવે મારો વિચાર છે કે, હું આગામી દિવસોમાં શાકભાજીની હોમ ડિલીવરી શરૂ કરાવી દઈશ. નવો ધંધો શરૂ કરતાં પહેલાં મેં નિયમો બનાવ્યા હતા. જેમાં મોઢા પર માસ્ક નહીં પહેરીને શાકભાજી ખરીદવા આવનારા લોકોને પાછા કાઢવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવનારા લોકોને પણ શાકભાજી નહીં વેચવાનો નિયમ બનાવ્યો હતો.
રોડિયમ ટામેટાં, ૧૮ કેરેટના બટાટાં
ભવ્ય શો-રૂમમાં સોના-ચાંદીના મોંઘાદાટ દાગીના વેચનારો જ્વેલર્સ શાકભાજી વેચવાનું શરૂ કરે તો તેનો અંદાજ પણ બિલકુલ અલગ જ હોય તે સ્વાભાવિક છે. કારેલીબાગની ઈન્દ્રપુરીની સોસાયટીમાં શાકભાજીનો નવો ધંધો શરૂ કરનારા આ વેપારીએ શાકભાજી વેચાણ માટે એક બોર્ડ લગાવ્યું હતું કે, અમારે ત્યાં દરેક પ્રકારની હોલમાર્ક વાળી શાકભાજી મળશે જેમાં રોડિયમ ટામેટાં, ૧૮ કેરેટની ડુંગળી, જડતર વર્કના કેપ્સીકમ, એમરલ્ડ બટાકા, એન્ટિક આદું, બારીકીના ધાણા, ફૂલ પોલિશ્ડ દૂધી અને કટક વર્કની પાલક મળશે. આ બોર્ડમાં ગ્રાહકો માટે સૂચના પણ લખવામાં આવી છે કે માસ્ક પહેર્યા વિના આવનારા ગ્રાહકોને શાકભાજી નહીં મળે.